________________ જ્ઞાનમંજરી શ્રી દેવચંદ્રજી કૃત ટીકા સંવત 1796 ના કાર્તિક સુદ પંચમી (જ્ઞાનપંચમી) ને દિવસે નવાનગરમાં પૂર્ણ થઈ છે. જેમ દિનકરને પ્રસિદ્ધિની આવશ્યકતા નથી તેમ પોતાની જ કૃતિઓથી સ્વત: સુપ્રસિદ્ધ અને સર્વમાન્ય જેવા આ મહાપુરુષ માટે વિશેષ લખવાની આવશ્યકતા હોય નહીં. આવા કળિકાળમાં અતિ અતિ દુર્લભ એવા અધ્યાત્મજ્ઞાનને જેણે પોતાના સ્વાનુભવ પૂર્વક ગ્રન્થારૂઢ કરી મુમુક્ષુ જીવો ઉપર જે મહદ્દ ઉપકાર કર્યો છે તે તરફ દૃષ્ટિ જતાં સહજે વિયાન્વિતપણે આપણું મસ્તક તેમનાં ચરણોમાં નમે છે. અમદાવાદનિવાસી સંતુજિજ્ઞાસુ શેઠ શ્રી મંગળદાસ જેસંગભાઈનાં માતુશ્રી સધર્મપ્રેમી શ્રી રૂક્ષ્મણીબાએ કરેલા જ્ઞાનદાનદ્વારા આ જ્ઞાનમંજરી–ગુર્જરવતરણ ગ્રંથ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. પૂર્વપુણ્યોદયે પ્રાપ્ત લક્ષ્મીને સદ્વ્યય થવો એ પણ મહદ્ પુણ્ય છે. અને તેમાંય જગતનાં માન પૂજા કે કીર્તિની અપેક્ષા વિના માત્ર નિજ આત્મહિતાર્થે આવી જ્ઞાનાન્નતિની પ્રવૃત્તિ થાય એ જરૂર પ્રશંસનીય ગણાય. એ પુણવંત આત્માઓ વિશેષ વિશેષ સ્વપર આત્મહિત પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થાય એવી ભાવના સહેજે થયા વિના રહેતી નથી. એક અધ્યાત્મજ્ઞાનીના ગ્રંથનું રહસ્ય અને અધ્યાત્મજ્ઞાનીની ટીકાથી જાણવાનું મહદ્ ભાગ્ય આપણને સંપ્રાપ્ત થયું છે તે દ્વારા આપણો આત્મા મોહનિદ્રા તજી જાગૃત થાય અને મોક્ષમાર્ગની સીડીએ ચડવાની શરૂઆત કરે એવી શુભ ભાવના ભાવી તે અધ્યાત્મજ્ઞાનીઓની રહસ્યપૂર્ણ વાણીમાં ધીરજથી અવગાહન કરવા વાચકને વીનવી વિરમું છું. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ; લી. અધ્યાત્મપ્રેમી શુતપંચમી સંવત 1995 જેઠ સુદ 5. | બ૦ ગોવર્ધનદાસ. તા. 23-5-1939.