________________ ભારતીય દર્શનોમાં પરિણામવાદ આવિર્ભાવ પામ્યું. એ સાંખનો સત્કાર્યવાદ છે. તેનાથી વિપરીત ન્યાય-વૈશેષિક મત પ્રમાણે કાર્ય પૂર્વે નહોતું. તે અસત્ હતું પણ પછી તે કારણમાં ઉત્પન્ન થયું. આ તે દર્શનનો અસત્કાર્યવાદ છે. બૌદ્ધ મત પ્રમાણે કારણ હોઈને કાર્ય થયું, એ તો બરાબર. પણ કારણ ઉત્પત્તિની ક્ષણ પછી તુરત જ નાશ પામે છે. એટલે તેનું કે તેના સત્ત્વનું કાર્યમાં પરિણમન થવાની શક્યતા જ નથી. તે નવું જ ઉત્પન્ન થાય છે. તે અસત્ હતું, હવે સત્ થયું અને તે પણ એક ક્ષણ માટે જ. આમ હોવાથી બૌદ્ધોના આ કાર્યકારણવાદને પણ અસતુ-કાર્યવાદ કહેવામાં આવે છે. પરંતુ ન્યાય-વૈશેષિક દર્શનન અસત્કાર્યવાદથી એ રીતે જુદો પડે છે કે ન્યાય-વૈશેષિક દર્શનમાં અસત્ એવું કાર્ય કારણમાં જ ઉત્પન્ન થાય છે. એટલું જ નહિ, તે સમવાયસંબંધથી પોતાના કારણમાં રહે છે, એટલે કાર્યની સાથે કારણ પણ રહે છે. બૌદ્ધમતમાં કારણનો નાશ થઈ ગયો હોવાથી તે કાર્યની સાથે રહે તેમ બનતું નથી. પં.સુખલાલજી બૌદ્ધોના પ્રતીત્યસમુત્પાદ વાદની વિશેષતાઓ આમ તારવી આપે છે. (1) કારણ અને કાર્યનો આત્મત્તિક ભેદ (2) કોઈપણ નિત્ય પરિણામી કારણનો સર્વથા અસ્વીકાર, (3) પહેલેથી જ અસતું એવા કાર્યમાત્રનો ઉત્પાદ. આ કારણ-કાર્ય સંતતિ જડ અને ચેતન સર્વને લાગુ પડે છે. પરિણામે બૌદ્ધમત કોઈ નિત્ય સ્થાયી તત્ત્વને સ્વીકારતો નથી. ઈશ્વરને પણ નહીં અને આત્માને પણ એ રીતે તો નહીં જ. તે મત પ્રમાણે બધું ક્ષણિક છે, અનિત્ય છે. તેથી નિત્ય આત્મા જેવું કાંઈ જ નથી. ઊંડાણથી વિચારતાં જણાશે કે આત્મા એ ઇન્દ્રિયથી પ્રત્યક્ષ થતો નથી, અનુમાનથી સિદ્ધ થતો નથી. તે માત્ર માનસિક સ્પંદન છે, એક ભાવ છે, એક કલ્પના છે, મને ઘડેલી એક પ્રતિમા છે. તે નીચેના પાંચ ભાવોનો સ્કંધ (સંઘાત) માત્ર છે. (1) રૂપ-શરીર તથા ભૌતિક પદાર્થ તથા નામ (માનસિક પ્રવૃત્તિ). (2) વેદના (Feeling) (3) સંજ્ઞા (ઇન્દ્રિય સન્નિકર્ષથી જેનો બોધ થાય છે અને જેને વિશિષ્ટ અભિધાન આપવામાં આવે છે, તે સંજ્ઞા છે. (Perception), (4) સંસ્કાર (Impulses) અને (5) વિજ્ઞાન-ચૈતન્ય (Consciousness). આ પાંચ સ્કન્ધને કોઈ “આત્મા' કહે તો બૌદ્ધોને વાંધો નથી. પણ તેનાથી ભિન્ન એવા કોઈ સ્વતંત્ર નિત્ય પદાર્થનો અહીં સ્વીકાર નથી. આમ જડ-ચેતન સર્વ પદાર્થ ક્ષણિક છે અને તેમાં એકના નારા સાથે બીજાની ઉત્પત્તિની ધારા ચાલે છે. આવી અનેક ધારાઓ પરસ્પરને છેદ્યા વિના જ ચાલે છે. પદાર્થમાં જુદા જુદા ગુણો વગેરે જોવા મળે છે, તેમાં સહકારી કારણોનું યોગદાન છે. પણ તેમની પણ પોતપોતાની ધારાઓ છે - એટલે કોઈપણ કારણ પોતાનું સત્ત્વ પછીના કાર્યમાં સંક્રાન્ત કરતું નથી. તેથી જ તો પદાર્થને સ્વલક્ષણ પણ કહેવામાં આવે છે.