________________
સમગ્ર નિર્ઝન્થદર્શનની શ્રેષ્ઠ સ્તુત્યાત્મક કૃતિઓને સમદષ્ટિપૂર્વક સમાવી લેનારી પ્રસ્તુત પ્રકાશન યોજના અમદાવાદ સ્થિત શ્રી શારદાબેન ચિમનભાઈ ચેરિટી ટ્રસ્ટની એજ્યુકેશનલ રિસર્ચ ગ્રંથમાળાના ઉપક્રમે દશેક વર્ષ પૂર્વે પ્રારંભ થયેલો. અહીં એ સંસ્થાના સંચાલકોનો અમે સહર્ષ ઋણસ્વીકાર કરીએ છીએ. આ કાર્યમાં પ્રસ્તુત સંસ્થાના ભૂતપૂર્વ પ્રૂફરીડર શ્રી નારણભાઈ પટેલ, અને ગ્રંથપાલ શ્રીમતી મનીષાબહેન ઠાકર–આદિ સૌ સભ્યોના સક્રિય સાથની અહીં સાનંદ સાભાર નોંધ લઈએ છીએ. બાકીનું કામ આગળ લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના ઉપક્રમે ધપાવવામાં આવ્યું. સંસ્કૃત ભાષા અને ગુજરાતી સાહિત્યના નિષ્ણાત વિદ્વાન્ પ્રા. કનુભાઈ જાનીએ સમય કાઢી, સંપૂર્ણ ગ્રંથ ધ્યાનપૂર્વક વાંચીને લખેલા લાઘવપ્રધાન અને પશ્યત્તાપૂર્ણ પૂર્વાવલોકનથી પ્રકાશનની ઉપાદેયતા અને શોભા વધી છે. કેટલાક પદ્યોના નહીં ઓળખાયેલા એવા છન્દો પણ ઓળખી આપ્યા છે. અને પૂ. ઉપાધ્યાય ભુવનચન્દ્રજીએ પૂરોવચન લખી આપવા ઉપરાન્ત મૂળપાઠોને સાદ્યન્ત અવલોકી ક્યાંક ક્યાંક સુધારાઓ સૂચવેલા છે, જે બદલ સંપાદકોએ બન્ને વિદ્વાનોના સ્નેહપૂર્વકના શ્રમ બદલ ખાસ આભારી છે. એમણે કરેલા અવલોકનો ધ્યાનાર્હ છે.
પ્રથમ ખંડ સ્વ. પ્રા. હીરાલાલ રસિકદાસ કાપડિયાને અર્પણ એટલા માટે કરીએ છીએ કે તેઓ આ વિષય પર ધ્યાન દેનારા અગ્રેચારીઓમાં એક હતા; અને તવિષયક તેમનાં ઘણાં લેખો, સંપાદનાદિ પ્રકાશનો, સન્ ૧૯૨૬થી થતાં જ રહેલાં. એમણે નિર્ઝન્થ-શ્વેતાંબર સાહિત્ય, તેના ઇતિહાસ, અને સાથે સંકળાયેલા વિવિધ શોધ-પાસાંઓના ઉપલક્ષમાં દશકાઓ સુધી શ્રમ લઈ જેટલું કામ કર્યું છે તેટલું એ ક્ષેત્રના કોઈ જ વિદ્વાને કર્યું નથી. શ્વેતાંબર સંપ્રદાય, સમાજે, એમની ખાસિયત અનુસાર એ મહાનું વિદ્વાની તેમની હયાતીમાં તો કંઈ જ કદર કરી નથી, પણ પછી પણ નહીં; મુનિ મહારાજો સમેતના વિદ્વદ્ સમાજે પણ તેમના પ્રતિ અને તેમના કામ પ્રતિ લગભગ ઉદાસીનતા જ સેવી છે; અને એમના અવસાન બાદ વર્ષો વીતી જવા છતાં એમના સ્મરણમાં કોઈ સ્મૃતિગ્રંથ થયો નહીં; એમના મૂલ્યવાન અનેકાનેક લેખો એકત્ર કરી તેનો સંગ્રહ પણ કોઈએ, કોઈ સંસ્થાએ પણ પ્રકાશિત કર્યો નથી. એમના કાર્યને વ્યવસ્થિત રૂપે મૂલવવા અને તેમનું ઋણ ચૂકવવા હવે મોડા મોડા પણ જાગ્રત થવું જરૂરી છે. શ્રતરત્નાકર ટ્રસ્ટ તરફથી તેમના લેખોના સંગ્રહો પ્રકાશિત કરવાનું કાર્ય તાજેતરમાં જ આરંભાયું છે.
સંપાદકો