________________
બાબતે કેટલાક જૈન વિદ્વાનો એમ પણ જણાવે છે કે પ્રસ્તુત ગ્રંથ જૈનધર્મમાં સંઘભેદ થયો તે પૂર્વે રચાયેલ ગ્રંથ છે.
ઉમાસ્વાતિજીના સમય અને જન્મ વિશે વિભિન્ન મતો પ્રચલિત છે. તે અંગે ઘણાં લેખો તથા પુસ્તકો લખાયેલાં છે. બધી જ પરંપરાઓ તેમને પોતાના માને છે. વિશેષ ઉલ્લેખોના અભાવે નિર્ણય કરવો કઠીન છે. પરંતુ જો સ્વોપજ્ઞભાષ્ય તેમનું જ રચેલું માનવામાં આવે તો ઘણી બાબતો ઉપર પ્રકાશ પડી શકે તેમ છે.
મૂળ ગ્રંથની રચના થયા પછી તરત જ વ્યાખ્યાગ્રંથોની રચના થતી આવી છે. તેમાં સમયે સમયે સ્પષ્ટતઃ બે પરંપરા જોવા મળે છે. (૧) શ્વેતામ્બરીય પરંપરા : આ પરંપરા ભાષ્ય અનુસાર વ્યાખ્યાઓ કરે છે (૨) દિગમ્બરીય પરંપરા આ પરંપરા જૈનધર્મના મુખ્ય સિદ્ધાન્ત અનેકાન્તવાદને અનુસારે વ્યાખ્યા કરે છે. જિજ્ઞાસુઓ માટે આ બન્ને પરંપરાઓનો અભ્યાસ ઉપયોગી છે.
છેલ્લા સો વર્ષમાં તત્ત્વાર્થાધિગમસૂત્રના અનુવાદો પણ પ્રકાશિત થયા છે. અનુવાદોની વિશેષતા એ છે કે મૂળ સૂત્રોના અનુવાદ તથા વ્યાખ્યાગ્રંથોના અનુવાદ અને સ્વતંત્ર અનુવાદો પણ પ્રગટ થયા છે. આ અનુવાદો માત્ર ગુજરાતી ભાષામાં જ નહીં પરંતુ અંગ્રેજી, હિન્દી અને વિદેશી ભાષાઓમાં પણ થયા છે. જૈન ધર્મમાં આવું વિપુલ સાહિત્ય અન્ય કોઈ ગ્રંથ ઉપર રચાયું નથી એ દૃષ્ટિએ પણ આ ગ્રંથની મહત્તાનો ખ્યાલ આવી શકે તેમ છે. આ તમામ પ્રકાશિત સાહિત્યની સૂચી તૈયાર કરી અહીં પ્રગટ કરવામાં આવી રહી છે. આ સૂચી જિજ્ઞાસુઓને અધ્યયન-અધ્યાપનમાં ઉપયોગી થશે તેવી શ્રદ્ધા સાથે પ્રકાશિત કરવામાં આવી રહી છે.
૩૦.૧૨.૨૦૧૭
જિતેન્દ્ર બી. શાહ
નિયામક લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર
અમદાવાદ