________________
ભૂમિકા
વાચકવર્ય ઉમાસ્વાતિજી વિરચિત તત્ત્વાર્થાધિગમ સૂત્ર એક મહત્ત્વપૂર્ણ ગ્રંથ છે. આ ગ્રંથમાં માત્ર ૩૪૪ સૂત્રોમાં સમગ્ર જૈનધર્મના સારને સમાવી લેવામાં આવ્યો છે. ૪૫ જૈન આગમો અતિ વિશાળ અને ગંભીર છે. એ ગ્રંથોને સમજવા સહુ માટે સરળ નથી. અર્થગંભીર ગ્રંથોને સમજવા માટે વાચકવર્ય ઉમાસ્વાતિજી મહારાજે તમામ આગમ ગ્રંથોનું દોહન કરીને તેના અમૃતરૂપે આ ગ્રંથની રચના કરી છે. આથી એમ કહી શકાય કે આ ગ્રંથ એટલે ગાગરમાં સાગર. જૈન આગમોની ભાષા અર્ધમાગધી પ્રાકૃત છે. આ ભાષા તે સમયની લોકભાષા હતી. ભગવાન મહાવીર સ્વામીએ આ જ ભાષામાં ધર્મોપદેશ આપ્યો હતો. તેને ગણધર ભગવંતોએ સૂત્રબદ્ધ કર્યો પરંતુ લોકભાષા હોવાને કારણે પ્રાકૃતભાષા પંડિતોમાં સર્વત્ર સ્વીકાર્ય બની નહીં, તેથી કોઈ એક એવા ગ્રંથની આવશ્યકતા હતી જે પંડિતોને પણ માન્ય હોય. તેવી ભાષા તો સંસ્કૃત જ હતી. આથી વાચકવર્ષે સરળ સંસ્કૃત ભાષામાં સૂત્રાત્મક શૈલીમાં પ્રસ્તુત ગ્રંથની રચના કરી. આ ગ્રંથ જૈનધર્મના ઇતિહાસમાં પ્રથમ સંસ્કૃત ગ્રંથનું ગૌરવ પામ્યો.
વાચકવર્ય ઉમાસ્વાતિજીએ રચેલા આ ગ્રંથમાં જ્ઞાનમીમાંસા, જીવમીમાંસા, લોકમીમાંસા, તત્ત્વમીમાંસા અને આચારમીમાંસા જેવા તમામ વિષયોને સમાવી લીધા છે. કલિકાલસર્વજ્ઞે ઉમાસ્વાતિજીને અંજલિ આપતા કહ્યું છે કે સંગ્રહકારોમાં વાચક ઉમાસ્વાતિ સર્વશ્રેષ્ઠ સંગ્રહકાર છે. તેમની આવી અદ્ભુત કુશળતાને કારણે જ આ ગ્રંથ જૈનધર્મની તમામ પરંપરાઓ શ્વેતામ્બર, દિગમ્બર, સ્થાનકવાસી અને તેરાપંથી આદિને માન્ય છે.
આ