________________
I
લાઇટ હાઉસ સેન્ટરની શરૂઆત - જૂન, ૧૯૯૦
સ્વાભાવિક રીતે જ લાઈટ હાઉસ સૅન્ટરમાં થતી અનેક પ્રવૃત્તિઓ જૈન ધર્મના બોધ સાથે મેળ ખાતી હતી. કૅથરીને દર રવિવારે એક કલાક સુધી નવકાર મંત્રના રટણના કાર્યક્રમો યોજવાની શરૂઆત કરી. આશા શેઠ જે પોતાનાં બચપણથી, મુંબઈના દિવસોથી ગુરુદેવનાં શિષ્ય હતાં તથા ગ્રેટર ડેટ્રોઈટનાં જૈન સૈન્ટરનાં પાઠશાળાના શિક્ષક હતાં તેમણે વિદ્યાર્થીઓને વિવિધ જૈન મંત્રો શીખવવાનો પ્રસ્તાવ મૂક્યો. જેમાં ચત્તારી મંગલમ, ખામિયા, શિવમસ્તુ, મંગલમ, મૈત્રીભાવનું, ઉવાસાગ્ગાહમ સ્તોત્ર, પંચપરમેષ્ઠી સ્તોત્ર વગેરેનો સમાવેશ થતો હતો. આ બધા મંત્રો સેન્ટરમાં દર અઠવાડિયે થતા કેન્ડલલાઈટ મેડિટેશનનો હિસ્સો બની ગયા. સેન્ટરે તૈયાર કરેલાં પુસ્તકોમાં દરેક મંત્રનો અર્થ સમજાવાયો હતો અને મંત્રો અંગ્રેજી લિપિમાં લખાતા. સૅન્ટરમાં થતા બધા કાર્યક્રમો ધ્યાનથી શરૂ થતા અને ધ્યાન હંમેશાં નવકાર મંત્ર અને ચત્તારી મંગલમથી શરૂ થતું.
જૈન ધર્મ સિવાય ધી લાઈટ હાઉસ સૈન્ટરમાં તાઓ, બૌદ્ધ, હિંદુ, જુડાઈક તથા મુસ્લિમ દૃષ્ટિકોણને પણ એક સમાન પ્રતિભાવ અને આવકાર મળતા. ગુરુદેવની શિષ્યા બન્યા બાદ કૅથરીને જૈન ધર્મ અપનાવ્યો હતો, સેન્ટરમાં પણ જૈન પરંપરાનો બહોળો પ્રભાવ હતો, પણ લાઈટ હાઉસ સેન્ટરના કોઈ પણ વિદ્યાર્થીને ક્યારેય પણ પોતાનો ધર્મ ત્યજવાનું ન કહેવાતું. આ આખરે તો શાંતિ ઇચ્છનારા લોકોનો સમૂહ હતો જે સ્વતંત્ર આધ્યાત્મિક માર્ગ પર આગળ વધી રહ્યા હતા. સ્વસ્થ મોકળાશના માહોલમાં લાઈટ હાઉસ સેન્ટરના સભ્યોએ જૈન ધર્મના તત્ત્વચિંતનને સહર્ષ સ્વીકારી લીધું હતું.
યુગપુરુષ
- ૧૦૨ -