________________
પ્રસ્તાવના અને ત્રણ સ્વીકાર
સાંઈઠના દાયકામાં જ્યારે હું ભારતમાં ઉછરી રહ્યો હતો ત્યારે મેં ચિત્રભાનુજીનું નામ સાંભળ્યું હતું. મેં તેમના લેખ અને તસવીરો અખબારોમાં જોયા હતા પણ ક્યારે પણ તેમને સાક્ષાત સાંભળ્યા કે જોયા ન હતા. હું તેમને સૌથી પહેલીવાર ૧૯૭૨માં ન્યુ યૉર્કમાં મળ્યો. મેં ફિલાડેલ્ફિયાથી ફોન કરીને મારા પ્રણામ પાઠવ્યા - અને તેમણે મને સૌથી પહેલી વાત જે કહી તે હતી – “તમને ખબર છે ને કે હું હવે મુનિ નથી રહ્યો?' મને એ સવાલનો શું જવાબ આપવો એ ખબર નહોતી પણ મને એમણે જ રસ્તો બતાડ્યો. તેમણે કહ્યું, ‘તમને ગમે તો તમે મને ગુરુદેવ કહી શકો છો. તેમની નિખાલસતા અને મૃદુ અવાજે મને એ પૂછવાની હિંમત બંધાવી કે શું હું તેમને મળવા આવી શકું? તેમનો જવાબ હામાં હતો.
એ ફોનકોલને પગલે મેં નિયમિત ન્યુ યૉર્કની મુલાકાત લેવાનું શરૂ કર્યું અને છેલ્લાં ૪૭ વર્ષથી મને તેમનાં ઘણાં પ્રવચનો સાંભળવાની, તેમના શિષ્યોને મળવાની અને પ્રમોદા બહેનને મળવાની તક સાંપડી. ઘણાં જૈન કેન્દ્રોમાં પ્રાણ પ્રતિષ્ઠા અને વાર્ષિક કાર્યક્રમોમાં હાજરી આપતી વખતે મને તેમની સાથે મુસાફરી કરવાની તક મળી.
આ વર્ષોમાં હું તેમનું અવલોકન કરીને તથા તેમની સાથેની વાતચીતમાંથી ઘણું બધું શીખ્યો. તેમને મળવા માંગતા દરેકને માટે તેઓ હંમેશા આવકાર્ય રહેતા બસ એક વાતની ખાસ તાકીદ રહેતી. રોજ તેમની બપોર તેમના અમુક કલાકોનાં મૌન માટે અલાયદી રખાતી. તેમનું સરળ જીવન, સાદું પણ પૌષ્ટિક ભોજન અને વાંચનની ચાહના એવી આદતો છે જેનાથી આપણને તમામને ફાયદો થઈ શકે છે. લોકો જ્યારે તેમને મળવા આવે ત્યારે તેઓ તેમની વાત એટલા રસથી સાંભળે કે સામી વ્યક્તિને પણ તેમની સહાનુભૂતિનો અનુભવ થાય. જરૂર પડ્યે તે સામી વ્યક્તિને એમ કહેતા ક્યારેય ન ખચકાય કે તેની સમસ્યા તેના પોતાના વિચારોથી અથવા તો જાતે જ ખડી કરેલી છે. તે વ્યક્તિને તેની વિષમ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે તેનામાં જ કોઈ સુધારો લાવવા સૂચવે કે પછી ક્ષમાની શક્તિથી તેનામાં પરિવર્તન આણે. તેમની સલાહ હંમેશા ઊંડા પ્રેમ અને કુમાશથી હાથમાં હાથ લઈને જ અપાય. તમે જોઈ શકો કે મુલાકાતી કઈ રીતે ગુરુદેવમાં વધુ ગાઢ વિશ્વાસ લઈને તથા પોતે જે તાણ સાથે મળવા આવ્યા હતા તેનાથી મુક્ત થઈને ગયા.
ચિત્રભાનુજીએ “જૈનીઝમ' શબ્દનો ઉપયોગ નકાર્યો. તેમને માટે ISM' એટલે કે વાદ, કોઈ પ્રકારની પ્રણાલી (cult), અંધવિશ્વાસ અથવા તો સંકુચિત અભિગમનો પર્યાય છે. તેમણે જૈન ધર્મ શબ્દનો ઉપયોગ કરવાનું જ ઉચિત માન્યું. કોઈપણ જીવની ખરી પ્રકૃતિ ધર્મ છે તેમ તેમણે અનેકવાર સમજાવ્યું છે. તેમના મતે વાદ,