________________
ચૈત્યવંદન, સામાયિક, પ્રતિક્રમણના સૂત્રો, ભક્તામર વગેરે મામા પોતે તેને શીખવતા હતા. પોતે પ્રતિક્રમણ કરવા બેસે ત્યારે અક્ષયને પણ સાથે બેસાડે અને એની પાસેથી સકલતીર્થ વગેરે સૂત્રો બોલાવે. નાનકડા બાળકની મીઠી-મીઠી વાણી સાંભળતાં મામા આનંદથી ઊભરાઈ જતા હતા. અક્ષયરાજના જીવનબાગ માટે મામા ખરેખર એક માળીનું કામ કરી રહ્યા હતા. નાનકડા બીમાં છૂપાયેલો ઘેઘુર વડલો માળીથી અજ્ઞાત શી રીતે રહે ?
અક્ષય ફલોદી પાછો ફર્યો :
આવી રીતે મામાની સાથે આનંદપૂર્વક સમય પસાર થઈ રહ્યો હતો. માંડ ૧૨ મહીના થયા હશે ત્યાં જ હૈદ્રાબાદમાં પ્લેગનો જીવલેણ રોગચારો ફાટી નીકળ્યો. માણસો ટપોટપ મરવા લાગ્યા. આ સમાચાર સાંભળતાં જ ફલોદીમાં રહેલા માતા-પિતાને ખૂબ જ ચિંતા થવા લાગી. આમેય માતાનો જીવ હંમેશાં પુત્રને જ યાદ કરવામાં લાગેલો રહેતો હોય ત્યાં આવા રોગચાળાના સમાચારને સાંભળીને કઈ માતાને ચિંતા ન થાય? ચિંતાતુર થયેલી માતાએ પોતાના પ્રાણપ્યારા એકના એક પુત્રને તરત ફલોદી બોલાવી લીધો.
વિનયમૂર્તિ અક્ષય :
હવે અક્ષયનું શિક્ષણ ફરીથી ફલોદીમાં ચાલું થયું. એક દેશી નિશાળમાં ભણવા બેઠો. નમ્રતાની જીવંત મૂર્તિસમો અક્ષય માસ્તરને જોતજોતામાં પ્યારો થઈ પડ્યો. અક્ષયની સાથે માસ્તરનો એટલો બધો પ્રેમ બંધાઈ ગયો કે અક્ષયને માસ્તર વિના હજુ ચાલે પણ માસ્તરને અક્ષય વિના ન ચાલે. માસ્તરના અક્ષય પર ચાર હાથ હતા. સામાન્ય લોકો એમ સમજે છે કે માસ્તર બુદ્ધિશાળી પર કૃપા વરસાવે છે. પણ આ વાત ખરી નથી. ખરી હોય તો પણ પૂરા અર્થમાં ખરી નથી. સત્ય હકીકત એ છે કે શિક્ષક હંમેશાં નમ્ર અને વિનીત વિદ્યાર્થી પ્રત્યે જ કૃપા વરસાવે છે. અથવા એમ કહો કે એમની અનિચ્છાએ પણ કૃપા વરસી જાય છે અને એ વિનીત વિદ્યાર્થી બુદ્ધિશાળી હોય પછી તો પૂછવું જ શું ? અક્ષય વિનીત હતો
૩૦૦
* * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪