________________
સ્થાપના પર પણ જેને પ્રેમ નથી તેને ભાવ ભગવાન પર શી રીતે પ્રેમ થશે? અત્યારે ભાવ ભગવાન નથી મળ્યા તે આપણી કસોટી છે : મારો ભગત મારા નામ અને સ્થાપનાને કેટલો પ્રેમ કરે છે ? તે તો જોવા દો.
જેટલા પ્રમાણમાં નામ-સ્થાપના ૫૨ પ્રેમ હશે, તેટલા પ્રમાણમાં ભાવ ભગવાન મળશે.
લોકમાં સારભૂત શું છે ? એવા પ્રશ્નના જવાબમાં ભગવાને ચારિત્રને લોકમાં સારભૂત કહ્યું છે.
ભક્તિ મુક્તિ અપાવે, એ ખરું, પણ સીધે સીધું નહિ, ચારિત્ર દ્વારા અપાવે. ભક્તિથી ચારિત્ર અને ચારિત્રથી મુક્તિ મળે. ખરેખર તો ચારિત્ર એ ભક્તિનો જ પ્રકાર છે. જેના પર ભક્તિ હોય તેની આજ્ઞા પ્રમાણે જીવવાનું મન થાય જ. તે પ્રમાણે જીવવું તે જ ચારિત્ર.
ભગવાન જેવા ભગવાન પણ સિદ્ધોનું આલંબન લે. દીક્ષા લેતી વખતે ‘નમો સિદ્ધાણં' પદ ઉચ્ચરે તે આ વાતનું પ્રતીક છે. યાદ રહે : ભગવાનમાં ભક્તિયોગ ગયો નથી, પણ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે.
ભક્તિ પદાર્થને જૈન શૈલીએ સમજવો હોય તો પૂ. દેવચન્દ્રજીનું સાહિત્ય અદ્ભુત છે. પૂ. દેવચન્દ્રજી ભક્તિમાર્ગના પ્રવાસી હતા. બહુ ઉચ્ચ કોટિના આધ્યાત્મિક પુરુષ હતા. ભિન્ન ગચ્છના હોવા છતાં તેમણે પૂ. ઉપા. યશોવિજયજી મ. ને ‘ભગવાન' તરીકે સંબોધ્યા છે. ને તેમની પાસેથી આપણા તપાગચ્છીય પદ્મવિજયજી વગેરેએ અભ્યાસ પણ કરેલો જ છે. એથી જ એમના (પદ્મવિ.) સ્તવનોમાં પણ તમને ભક્તિની અનુભૂતિની ઝલક જોવા મળશે.
દિગંબર કરતાં શ્વેતાંબર શૈલી આ દૃષ્ટિએ જુદી પડે છે. દિગંબર માત્ર આત્મસ્વરૂપ પર ભાર મૂકે છે, જ્યારે શ્વેતાંબર શૈલી ભગવાનને પ્રાધાન્ય આપે છે. ભગવાન વિના તમે આત્મસ્વરૂપ શી રીતે પ્રગટ કરી શકો ? સિંહને જોયા વિના પોતાને બકરા માનતા સિંહનું સિંહત્વ શી રીતે જાગૃત બની શકે?
* કહે, કલાપૂર્ણસૂરિ-૪
૨૫૪