________________
‘લલિત વિસ્તરા” જેવો ભક્તિની પ્રબળતમ ઉંચાઈનો ગ્રન્થ હોય અને તેની એક-એક પંક્તિને અનુભવી જનાર મહાપુરુષ એને ખોલતા હોય ત્યારે ભાવકોને તો ઓચ્છવ-ઓચ્છવ થઈ જાય.
[ પણ પહેલા કહ્યું તેમ, સાહેબજીને ‘જોવા’ જતાં ‘સાંભળવાનું ચૂકી ગયેલાઓ માટે અને આ ભક્તિપર્વને ચૂકી ગયેલાઓ માટે છે પ્રસ્તુત પુસ્તક. પુસ્તકને પાને પાને, કહો કે તેના એક એક ફકરે છે પરમપ્રિયની મઝાની વાતો. એક ગંગા વહી રહી છે. ને તમે એને કાંઠે બેસી તેના મધુર જળને આસ્વાદી રહ્યા છો. એક અનુભવ. તમે આચાર્ય ભગવંતની આંગળી પકડી પ્રભુની દિશા તરફ જઈ રહ્યા છો તેવું લાગે... અનુભવ: જે તમને પૂરા પૂરા ભરી દે. વાંચવાનો ક્રમ આવો રહેશે : ૨-૪ ફકરાં કે એકાદું પાનું વંચાયું. હવે આંખો બંધ છે. તમે એ શબ્દોવડે તમારી જાતને ભરાઈ જતી, બદલાઈ જતી અનુભવો છો. અહીં વાંચવાનું થોડું થશે, અનુભવવાનું ઘણું થશે.
કવિ મનોજ ખંડેરિયાની કાવ્ય પંક્તિઓ આપણે ગણગણતાં હોઈશું : “મને સદ્ભાગ્ય કે શબ્દો મળ્યા, તારે મુલક જાવા.” નહિતર તો માત્ર આપણા ચરણો પર ભરોસો રાખી ચાલીએ તો જુગોના જુગો વીતે અને પ્રભુનો પ્રદેશ એટલો જ દૂર હોય.
પ્રભુના પ્રદેશ ભણી લઈ જતા સશક્ત શબ્દોથી સભર પુસ્તક તમારા હાથમાં છે. હવે તમે છો અને એ પુસ્તક છે. વચ્ચેથી હું વિદાય લઉં. તમે વહો આ શબ્દોમાં. બો.
- આચાર્ય યશોવિજયસૂરિ
આ. શ્રી ૩ૐકારસૂરિ આરાધના ભવન, વાવપંથક વાડી, દશા પોરવાડ સોસાયટી, અમદાવાદ.
પોષ સુદિ પાંચમ, વિ. ૨0૫૭
H/SH/ST