________________
દીક્ષામાં અંતરાય કરો તો દીક્ષા ન મળે.
તપ, સ્વાધ્યાય, ધ્યાન, લોચ, વિહાર વગેરે અનુષ્ઠાનો આવી રીતે બંધાયેલા કર્મોની નિર્જરા માટે છે, આવી અવિહડ શ્રદ્ધા હોવી જોઈએ. તે પાપ કર્મો ઉદયમાં આવે તો તો સમતાપૂર્વક ભોગવવાના છે જ, પણ ઉદયમાં ન આવે તો પણ જબરદસ્તીથી ઉદયમાં લાવવાના છે. કર્મોને જબરદસ્તીથી ઉદયમાં લાવવા તેને ઉદીરણા કહેવાય છે. લોચ વગેરેથી પાપોની ઉદીરણા થાય છે.
કર્મોનો કદી વિચાર આવે છે ? ઘણા તો એવા મૂઢ હોય કે કર્મો તો ઠીક મૃત્યુ પણ યાદ નથી આવતું ! બાપાનું રાજ હોય તેમ વર્તન કરે છે. જાણે મૃત્યુ આવવાનું જ નથી ! મૃત્યુ વખતે વિદ્વત્તા, પ્રવચનો, ચેલાઓ, ભક્તો, જ્ઞાનમંદિરો, પુસ્તકો વગેરે કોઈ નહિ બચાવી શકે.
આ લોકની કેટલી ચિંતા કરીએ છીએ ? આ ચીજ જોઈએ, તે ચીજ જોઈએ, લાવો... લાવો... લાવો... પણ પરલોકમાં જેની જરૂર છે, તે વસ્તુને કદી યાદ કરી કે નહિ ?
સાધુ તો સદા મૃત્યુ માટે તૈયાર હોય. મૃત્યુથી ડરે નહિ. મોતને મૂઠીમાં લઈને ફરે.
જે યોદ્ધાએ કદી યુદ્ધની તૈયારી કરી નથી, ઘોડાને કેળવણી આપી નથી, ઘોડા પર કોઈ નિયંત્રણ જમાવ્યું નથી, આવો માણસ માત્ર પોતાની કે ઘોડાની તાકાત પર મુસ્તાક રહીને લડવા પહોંચી જાય તો તે યુદ્ધમાં જીતી શકે ?
મૃત્યુની પૂર્વ તૈયારી વિના આપણે શી રીતે મૃત્યુંજયી બની શકીશું ? મૃત્યુંજયી બનવું એટલે સમાધિપૂર્વક મૃત્યુ પ્રાપ્ત કરવું.
આ ગ્રન્થમાં લખ્યું છે : જેણે પરિષહો સહ્યા નથી, તપ કર્યો નથી, રોજ ત્રણ ટાઈમ ખાવાનું જ કામ કર્યું છે. એ સાધુ તીવ્ર વેદનાઓ વચ્ચે સમાધિ નહિ જાળવી શકે. [ગાથા – ૧૧૯]
કષ્ટ પડે એટલે વિહાર બંધ ! કષ્ટ પડે એટલે તપ બંધ !
કહ્યું કલાપૂર્ણસૂરિએ
૨૫૧