________________
પ્રભુની ચેતના સાથે પોતાની ચેતના રમાડવી તે ઉત્કૃષ્ટ પ્રભુપૂજ છે.
કાયા, વચન, મન તો પ્રભુને સોંપ્યા, પણ જ્ઞાનાદિ ભાવો પણ પ્રભુને સોંપી દેવા તે પૂજા છે.
પણ આપણી લોભી વૃત્તિ છે. “મારું મારા બાપનું, તારામાં મારો અર્ધો ભાગ” ની વૃત્તિવાળા આપણે પ્રભુને કાંઈ સમર્પિત કરતા નથી. હા, પ્રભુ પાસે મેળવવા મથીએ છીએ ખરા ! પ્રભુને કાંઈ આપવું નથી ને બધું જ મેળવી લેવું છે. આપ્યા વિના શી રીતે મળે ?
* તમને મળેલા જ્ઞાનાદિ બીજાને આપો તો જ તમને એ ગુણો આગામી જન્મમાં મળશે. જેટલું તમે બીજાને આપો તેટલું તમારું નિશ્ચિતરૂપે સુરક્ષિત રહે.
* ગુણો મેળવવા આટલું કરો :
૧૫-૨૦ દિવસ માટે ક્ષમાનો પ્રયોગ કરો. ગમે તેટલું થઈ જાય, ગુસ્સો કરવો જ નહિ. ૨૦ દિવસ તમે ક્ષમા માટે ફાળવો. ક્ષમા આત્મસાત બની જાય પછી નમ્રતા, સરળતા, સંતોષ વગેરે એકેક ગુણ લેતા જાવ ને પૂરી તાકાતથી એ ગુણને જીવનમાં ઉતારવા મથો. ૨૦ દિવસ પ્રયોગ કરી જુઓ.
* કાંઈ જ જોઈતું નથી. કોઈ જ વસ્તુનો ખપ નથી. વસ્તુ ભલે ગમે તેટલી આકર્ષક હોય, પણ મારે નથી જોઈતી. આનાથી તમારું સત્ત્વ ખૂબ જ વધશે.
આ ગુણો જ આપણી સાચી મૂડી છે.
ગુણોની પ્રાપ્તિ માટેનો મુખ્ય રાજમાર્ગ પ્રભુ-કૃપા છે. પ્રભુ ગુણના ભંડાર છે. એમના શરણે જવાંથી ગુણો આવે જ.
* આપણો સાચો જન્મદિવસ દીક્ષા-દિવસ છે, જ્યારે અધ્યાત્મનો માર્ગ મળ્યો. આજે તો ભૌતિક શરીરનો જન્મ-દિવસ છે.
આજના દિવસે ઇચ્છું : આ શરીર દ્વારા વધુ ને વધુ સાધના કરું - સાધના કરતા અન્યને સહાયતા કરું અને યથાશક્ય શાસન-સેવા કરતો રહું.
કહ્યું, કલાપૂર્ણસૂરિએ છે ૨૪૦