________________
આંખો સાથે સમાધિમગ્ન પૂજ્યશ્રીનો દેહ બરાબર અરિહંત ભગવંતની મૂર્તિના આકારમાં જ દેખાતો હતો. મેં મારા જીવનમાં અનેકોને અગ્નિ-દાહ આપ્યા છે અને જોયું છે કે બે કલાકમાં તો હાથ પગ આદિના હાડકા પોતાની મેળે અલગ અલગ થઈ જાય, પણ પૂજ્યશ્રીના શરીરમાં એવું કાંઈ થયું નહીં. ખોપરી તોડવા માટે કેટલાક લોકોએ મોટા મોટા લાકડા પણ જોરથી માર્યા હતા.
ધીરે ધીરે દેહ નાનો - નાનો થતો ગયો, પણ દેહની આકૃતિ તો છેલ્લે સુધી અરિહંતની જ રહી. હું સવારે ૪.૩૦ વાગ્યા સુધી ત્યાં જ જાગતો રહ્યો અને જોતો રહ્યો. મારા આશ્ચર્યનો કોઈ પાર ન હતો. મારી જેમ બીજા પણ હજારો ગુરુભક્તોએ આ દૃશ્ય જોયું. બધા જ આશ્ચર્યચકિત બની ગયા. તો મહારાજ ! આવું કેમ થયું ? કાંઈ સમજાતું નથી ?
અમે કહ્યું : ચીમન ! આમાં આશ્ચર્ય કે ચમત્કારની કોઈ વાત જ નથી. આ સ્વાભાવિક જ છે. કારણ કે પૂજ્યશ્રીએ બચપણથી મૃત્યુ સુધી અરિહંત પ્રભુનું જ ધ્યાન કર્યું છે. પૂજ્યશ્રીના વ્યાખ્યાનમાં, વાચનામાં, હિતશિક્ષામાં, પત્રમાં, લખવામાં, મનમાં, હૃદયમાં, શરીરના રોમ-રોમમાં ભગવાન - ભગવાન ને ભગવાન જ હતા, તેઓની બધી વાતો, બધું ચિંતન પણ ભગવાન સંબંધી જ હતું. પૂજ્યશ્રીની ચેતના ભગવન્મયી બની ગઈ હતી. એક વૈજ્ઞાનિક તથ્ય છે કે મન જેનું ધ્યાન ધરે છે, શરીર તેનો સ્વીકાર કરી લે છે. લીંબુ બોલતા જ મુખમાં કેવું પાણી આવે છે ! મનનો શરીરની સાથે ગાઢ સંબંધ છે. ' એવો ઉલ્લેખ આવે છે કે એક કવિને પંપા સરોવરના ચિંતનથી જલોદર રોગ થઈ ગયો. ત્યારે સુબુદ્ધિ નામના કુશલ વૈદે મારવાડનું ચિંતન છ મહિના સુધી કરવાનું કહ્યું અને ખરેખર ! મારવાડના ચિંતનથી તેનો જલોદર રોગ મટી ગયો. આ છે મનની સાથે શરીરનો સંબંધ !
શ્રેણિક રાજાની ચિતા સળગતી ત્યારે કહેવાય છે કે તેમના હાડકામાંથી વીર... વીર... નો અવાજ આવતો હતો.
29