________________
પરમ શ્રદ્ધેય સચ્ચિદાનંદમય પૂજ્ય આચાર્યશ્રીનું મહાપ્રયાણ
મહા સ. ૩ (વિ.સં. ૨૦૫૮)નો દિવસ હતો. અમે મનફરા (કચ્છ-વાગડ)માં પ્રભુ-પ્રવેશ-પ્રતિષ્ઠા આદિ કાર્યો માટે આવેલા હતા. એ જ દિવસે અમે કહે કલાપૂર્ણસૂરિ૧નો હિન્દી અનુવાદ ‘720 Powe%’ વાળા તેજસભાઈને આપેલો.
એ જ દિવસે સાંજે વિહાર કરીને અમે માય નામના નાનકડા ગામમાં આવ્યા. ભૂકંપથી આખું ગામ ભાંગી ગયું હોવાના કારણે ગામથી એક કિ.મી. દૂર ભચા ગણેશાની વાડીમાં પતરાના રૂમમાં અમે રાત ગાળી. રાતના ખુલ્લા આકાશમાં અમે એક તેજસ્વી તારો ખરતો જોયો. બીજા જ દિવસે જિન-શાસનનો પ્રકાશમાન સિતારો અદશ્ય થવાનો હતો, તેનો શું આ પૂર્વ સંકેત હશે ?
બીજે દિવસે વિહારમાં જ સવારે ૯.૩૦ કલાકે અમે લાકડીઆ સંઘના માણસો પાસેથી પૂજ્યશ્રીના કાળધર્મના સમાચાર સાંભળ્યા ત્યારે આઘાત અને આશ્ચર્યથી સ્તબ્ધ બની ગયા. ધીરે-ધીરે આંખો સજળ બનતી ગઈ. આધોઈમાં આવીને દેવ-વંદન કર્યા પછી હૃદય એટલું ભરાઈ ગયેલું કે ગુણાનુવાદ માટે બે-ચાર વાક્ય માંડ-માંડ બોલી શકાયા.
વારંવાર એક જ વાત મગજમાં ઘુમરાવા લાગી : આવા પ્રભુમગ્ન, પ્રબુદ્ધ, સચ્ચિદાનંદમય સદ્ગુરુનો યોગ ફરી આ વિશ્વને ક્યારે મળશે ? એમની દિવ્ય વાણી ફરી ક્યારે કાને પડશે ? તીર્થંકર પ્રભુના સમવસરણની સ્મૃતિ કરાવનાર એમની દેશના-સભા હવે ક્યાં જોવા મળશે ?
તો પણ એટલો આનંદ છે કે ૩૦-૩૦ વર્ષ સુધી પૂજયશ્રીનું પાવન સાન્નિધ્ય મળ્યું. વર્ષો સુધી પૂજયશ્રીના ચરણોમાં બેસવાનું, પૂજયશ્રીની વાણી સાંભળવાનું સૌભાગ્ય મળ્યું. વાંકી (વિ.સં. ૨૦૫૫) તથા પાલિતાણા (વિ.સં. ૨૦૫૬) ચાતુર્માસની વાચનાઓ સાંભળવાનું સદ્ભાગ્ય મળ્યું.