________________
તે વૃક્ષના ફળોની તો વાત જ શી ? નિર્ણય તમારે કરવાનો છે : સ્પૃહા જોઈએ કે નિઃસ્પૃહતા ? એકાન્તમાં વિચારજો. આત્માને પૂછજો. જે ટેન્શન, જે પ્રયત્ન, જે કષ્ટ તમે સંસારના માર્ગે સહો છો તેમાંનો થોડોક જ પુરુષાર્થ જો આ બાજુ સાધનાના માર્ગે કરવામાં આવે તો ?
પ્રશ્ન થઈ શકે : સંસારની જેમ ઈચ્છા છે, તેમ મોક્ષની પણ ઈચ્છા છે. તો ફરક શો પડ્યો ?
અમે કહીએ છીએ : તમે મોક્ષ શું છે ? એ જ સમજ્યા નથી. મોક્ષ એટલે જ ઈચ્છાનો ત્યાગ ! બધા જ પ્રકારની ઈચ્છાઓ ટળે પછી જ મોક્ષ મળે.
ઈચ્છા અને મોક્ષ ? બંને પરસ્પર વિરોધી છે. હા, બહુ બહુ તો તમારી ભાષામાં આટલું કહી શકાય : મોક્ષ એટલે ઈચ્છારહિત બનવાની ઈચ્છા ! જો કે, પછી તો ઈચ્છારહિત બનવાની ઈચ્છા પણ છોડવી પડે છે.
અસદ્ ઈચ્છાને જીતવા સદ્ ઈચ્છા જોઈએ જ. દીક્ષા લઈને ભણવાની, તપ કરવાની કે સાધનાની ઈચ્છા તો હોવી જ જોઈએ. પ્રશ્ન ઃ સાધુ આટલા કષ્ટ સહે તો તેમને અનુભૂતિનું, આત્મિક સુખ, અનારોપિત સુખ કેવું હોય ? કેટલું હોય ?
ઉત્તર ઃ સંસારનું સુખ આરોપિત છે. કોઈપણ વસ્તુમાં ઇષ્ટ-અનિષ્ટની કલ્પના અવિદ્યાજન્ય છે. ખરેખર કોઈ પણ વસ્તુ સુખ કે દુઃખ આપનાર નથી. આપણી અવિદ્યા ત્યા સુખ કે દુઃખનું આરોપણ કરે છે. આને આરોપિત સુખ કહેવાય. આ દૃષ્ટિએ સાતા વેદનીયજન્ય સુખ પણ, જ્ઞાનીની નજરે સુખ નથી, પણ દુ:ખનું જ બીજું સ્વરૂપ છે.
જે તમને અવ્યાબાધ આત્મિક સુખથી અટકાવે તે સુખને (વેદનીયજન્ય સુખને) સારું કઈ રીતે ગણી શકાય ?
તમારા ક્રોડ રૂપિયા દબાવીને કોઈ માત્ર ૫-૧૦ રૂપિયા આપીને તમને રાજી કરવા મથે તો તમે રાજી થાવ ? અહીં આપણે વેદનીય કર્મે આપેલા સુખથી રાજી થઈ રહ્યા છીએ ! જ્ઞાનીઓની નજરે આપણે ઘણા દયનીય છીએ.
* કહે કલાપૂર્ણસૂરિ-૧
૧૫૨