________________
પ્રકરણ ૫
પ્રાગઐતિહાસિક સંસ્કૃતિઓ
૧, આદ્યપાષાણયુગ
પાષાણ-યુગોની સંસ્કૃતિઓ પ્રાગ-ઐતિહાસિક ગણાય છે, કેમકે એ યુગમાં લેખનકલાનું અસ્તિત્વ નહોતું અને માનવકૃત ચીજો મુખ્યત્વે પાષાણુની ઘડવામાં આવતી હતી. હુન્નરકલા તથા સંસ્કૃતિની દષ્ટિએ આ યુગોના પ્રાચીનપાષાણયુગ તથા નૂતનપાષાણયુગ એવા બે ભેદ પાડવામાં આવ્યા છે; પ્રાચીનપાષાણયુગના આદ્ય, મધ્ય અને અંત્ય એવા ત્રણ તબક્કા પાડવામાં આવ્યા છે.
આઘપાષાણયુગના અવશેષોની પહેલી શોધ
ગુજરાતમાં પ્રાગ ઐતિહાસિક શોધ પહેલવહેલી ઈ. સ. ૧૮૯૩ માં થઈ. રોબર્ટ બ્રુસ ફૂટ નામના ભૂસ્તરશાસ્ત્રી હિંદી સરકારની સેવામાંથી નિવૃત્ત થઈ વડેદરા રાજ્યની સેવામાં જોડાઈ એ રાજ્યનું આર્થિક દૃષ્ટિએ ભૂસ્તરનિરીક્ષણ કરતા હતા, ત્યારે એમને ત્યાંના સાબરમતીના પટમાં સાદોલિયા (તા. પ્રાંતિજ) ગામની સામે આવેલા અનેડિયા-કેટ (તા. વિજાપુર) નામે ઓળખાતા સ્થળે હાથે ઘડેલાં પથ્થરનાં બે હથિયાર અને પેઢામલી (તા. વિજાપુર) પાસે એવું એક હથિયાર મળેલું (નકશો ૩). આ હથિયાર નદીના અર્વાચીન પાત્રમાંથી મળેલાં, પરંતુ એ સ્પષ્ટતઃ નદીના પ્રાચીન પાત્રમાંથી નીચે પડવાં હોય એમ લાગેલું. સાબરમતી નદીમાં દર વર્ષે ચોમાસામાં પ્રવાહ વડે થતા બદાણને લઈને સમય જતાં એનું પાત્ર નીચે ને નીચે ઊતરતું જાય છે; ને બીજી બાજુ એના ઉપલા થર પર પવનને લઈને ઊડીને આવતી રેતી જેવી માટીને થર વધતો જાય છે, આથી ત્યાં વસતિ-સ્તરને કમ ઊલટ જોવા મળે છે.*