________________
૩૦] ઇતિહાસની પૂર્વભૂમિકા
[ . વડોદરા જિલ્લાના ઉત્તર ભાગમાં ગોરાટ અને દક્ષિણ ભાગમાં કાળી જમીન મળી આવે છે. આ બંને જાતની જમીન કાંપવાળી છે. કાળી જમીનમાં ૫૦ ટકા કરતાં ઓછી રેતી આવેલી છે, જ્યારે ગોરાટ જમીનમાં ૬૦ થી ૮૦ ટકા રેતી હોય છે. આ વિસ્તારની કાળી જમીન ખરી કાળી જમીનનાં લક્ષણ ધરાવતી નથી; એનું અંતરપડ રેતાળ છે, જેમાં કેટલેક સ્થળે મરડિયા અને કેટલેક સ્થળે માટી આવેલ છે. ગોરાટ જમીનમાં સેંદ્રિય દ્રવ્યો અને નાઈટ્રોજન પૂરતા પ્રમાણમાં નથી. દક્ષિણમાં આવેલી કાળી જમીનમાં માટીનું પ્રમાણ વધુ નથી, જ્યારે પૂર્વમાં આવેલી કાળી જમીનમાં એ વધુ છે. આ વિભાગમાં જે ગરાટ તરીકે ઓળખાય છે તે ખરી રીતે મધ્યમ કાળી જમીન છે.
દક્ષિણ ગુજરાતમાં ક્યાસને અનુકૂળ કાળી જમીન આવેલી છે. નદીઓના કાંપને લઈને કાળી જમીન ઠીક ઠીક ઊંડી હોય છે. ઉનાળામાં એમાં ઊંડી ચિરાડ પડે છે. આ ચિરાડે ઘણી વાર ૧ ઈંચ પહોળી અને ૧૦ ફૂટ જેટલી ઊંડી હોય છે, આથી કાળી જમીન પોતાની મેળે જ ખેડાય છે એવું કહેવાય છે. પશ્ચિમ તરફ જતાં જમીનમાં માટીનું પ્રમાણ વધતું જાય છે. સમુદ્રકાંઠા તરફ ખારી જમીનના પટ આવે છે. કાળી જમીનમાં ભાટી, કાંપ અને રેતીનું લગભગ સરખું પ્રમાણ હોય છે; મુખ્યત્વે એમાં કપાસનું વાવેતર થાય છે. ભારે વરસાદમાં પાણીથી ચિરાડો ભરાઈ જાય છે ત્યારે ભારે ચીકાશને લીધે એને ખેડી શકાતી નથી; જેમાં પાણી નિતાર સારી રીતે થઈ શકતો હોય તેવા થરવાળી જમીનને જ સિંચાઈ માફક આવે છે. ખરીફ પાકને બદલે ઘઉં, અળશી, ચણ વગેરે રવી પાક માટે એ માફક આવે છે. ભાઠાની જમીન તથા ગોરાટ જમીન બાગાયત માટે કામ લાગે છે. નદીઓના કાંઠા પર જમા થયેલ કાંપની ફળદ્રુપ જમીનને “ભાઠાની જમીન' કહે છે. ભાઠાની જમીનમાં લગભગ ૨૦ ટકા માટી અને ૬૦ ટકા રેતી હોય છે; ગોરાટ જમીનમાં રેતીનું પ્રમાણ ૮૦ ટકા જેટલું અને માટીનું પ્રમાણ ૬ થી ૧૦ ટકા જેટલું જ હોય છે.
સૌરાષ્ટ્રમાં ખેતીને લાયક જમીન માટે ભાગે સપાટ અને મધ્યમ કાળી જાતની છે. ડુંગરાળ પ્રદેશમાં છીછરી અને મોટે ભાગે મરડિયાવાળી જમીન છે; એમાં માટીનું પ્રમાણ ઘણું ઓછું છે ને એ ઓછી ફળદ્રુપ છે. પાતાળ કૂવાઓમાંનાં મોટા ભાગનાં પાણી ખૂબ ક્ષારવાળાં નીકળે છે.
ભાલની જમીન કાળી અને ભેજનો સંગ્રહ કરે તેવી છે; ક્ષારને કારણે કેટલીક જમીન પડતર રહે છે.