________________
આહારક વર્ગણાનું શરીર માત્ર આહારક લબ્ધિવાળા ૧૪ પૂર્વધર જ બનાવી શકે છે. તે પણ દેદીપ્યમાન રૂપવાળું શરીર હોવા છતાં વિશિષ્ટ જ્ઞાની સિવાય બીજા કોઈ તેને ન જોઈ શકે. જયારે તૈજસ શરીર બાદર છે તેથી શરીરમાં રહેલી ગરમી - જઠરાગ્નિ તે તેજસ શરીર રૂપે અનુભવાય છે. અર્થાત્ બાદર વર્ગણા હોય તેનો ઈન્દ્રિયો આદિ વડે અનુભવ થઈ શકે. જયારે સૂક્ષ્મ પરિણામી જે વર્ગણા છે તેનો કોઈ પણ ઈન્દ્રિય વડે સૂક્ષ્મપણાને કારણે કોઈ ઈન્દ્રિયના જ્ઞાનનો વિષય ન બને માત્ર અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની કે કેવલીનો જ વિષય બને.
ચાર વર્ગણા સૂક્ષ્મ છે. શ્વાસોચ્છવાસ, ભાષા, મન અને કાર્મણ વર્ગણા ઉત્તરોત્તર વધારે સૂક્ષ્મ છે. શ્વાસોચ્છવાસ વર્ગણા એ કદી પણ કોઈ યંત્રમાં પકડાય નહીં. આથી ડોકટરો ઓકિસજન વાયુના બાટલા ચડાવે તેમાં શ્વાસોચ્છવાસ વર્ગણા આવી જાય પણ યંત્રમાં બાદર વાયુ પરિણામી છે માટે તે જણાય છે. વિજ્ઞાન શ્વાસોચ્છવાસને જુદી વર્ગણા તરીકે માનતું નથી. ભાષા વર્ગણા પણ સૂક્ષ્મ છે. તેથી બોલવા માટે ઉપયોગમાં લેવાતી ભાષા વર્ગણા પણ કોઈ યંત્રમાં પકડાતી નથી, પણ જયારે તે શબ્દ કે વચનરૂપે (છોડવામાં) આવે ત્યારે તે ભાષાવર્ગણાના સ્કંધો બાદર પરિણામને પામે છે. પુદ્ગલોનો પરિણામી સ્વભાવ છે સૂક્ષ્મ પરિણામી પુદ્ગલ બાદર પરિણામને પામે, બાદર સૂક્ષ્મને પણ પામે માટે તે પુદ્ગલ દ્રવ્ય વ્યવહારથી અનિત્ય અને નિશ્ચયથી તે શાશ્વતરૂપ છે. વળી પુદ્ગલો પરિણામી હોવાનો સ્વભાવ ધરાવતા હોવાથી સુક્ષ્મ જયારે બાદર રૂપે પરિણામ પામે ત્યારે પકડાય છે. આથી ભાષા વર્ગણા જયારે શબ્દ કે વચનરૂપે પરિણામ પામે ત્યારે તે યંત્રમાં પકડાય છે. શબ્દો ટેપરેકોર્ડ થઈ શકે છે. મનોવર્ગણા ભાષાથી પણ સૂક્ષ્મ છે તેથી તે પણ કોઈ યંત્રમાં પકડાતી નથી પણ મનઃ પર્યવજ્ઞાની તે વર્ગણાને સાક્ષાત્ જ્ઞાનમાં જોઈ શકે છે. દેવો પણ જીવે કરેલા અધ્યવસાય (વિચારો)ને જાણી શકે છે. કાર્પણ વર્ગણા અત્યંત સૂક્ષ્મ છે અને આત્મા પ્રતિસમય તેને સતત ગ્રહણ કરે છે છતાં તેનો અનુભવ થઈ શકતો નથી, પણ અવધિજ્ઞાની સાક્ષાત્ કાર્મણ વર્ગણા જે આત્મા પર કર્મરૂપે ચોંટે છે તેને જોઈ-જાણી શકે છે.
આત્મા સૂક્ષમ કે બાદર નથી. પણ યુગલના સંયોગના કારણે તે પ્રમાણે કહેવાય છે.
અજીવ તત્વ | 29