________________
અરૂપી, નિરાકાર એવો આત્મા પોતાના અરૂપી, નિરાકાર ગુણોમાં જ સુખ હોવા છતાં તેમાં રહી રમી શકતો નથી તેનું કારણ શું? પોતાના ગુણોમાં સુખનો નિર્ણય પ્રતીતિ રુચિ નથી અને પુદ્ગલમાં સુખની ભ્રાંતિ અને સુખ ભોગનો ભ્રમ અનાદિથી છે. આત્માને ગુણો ભોગવવા કોઈની પરાધીનતા, અપેક્ષા કે કોઈ પણ પ્રકારનું કષ્ટ નથી છતાં જીવ તે સુખ માટે સહજ પ્રયત્ન કરી શકતો નથી અને જ્યાં સુખ છે જ નહીં પણ આત્માને જેમાં માત્ર પીડા જ મળે છે તેમાં સર્વ પ્રયત્નો વડે તે મેળવવા કરવાનું બાકી રાખતો નથી. જે આત્માઓને આત્માના સુખ સંબંધી અજ્ઞાનતા છે તેઓ પરમ સુખ માની પરમાં પ્રયત્ન કરે તે આશ્ચર્ય નથી પણ જે આત્માઓને જિન વચન વડે આત્માના સુખ સંબંધી જ્ઞાન થાય છે તેઓ પણ આત્માના સુખ માટે બહુ પ્રયત્ન કરી શકતા નથી અને વિષયોના સુખને છોડી શકતા નથી તે આત્મા માટે ખેદજનક છે. • વિષયસુખ છોડવા ઘણા દુષ્કર લાગે છે તો કારણ શું?
પાંચે ઈન્દ્રિયો જેને મળે છે તેમાં જ્ઞાન કરવાનું પ્રથમ કાર્યચક્ષુઈન્દ્રિયનું હોય છે. ચક્ષુઈન્દ્રિય પોતાના વિષય વસ્તુમાં રહેલા આકાર અને રૂપને જોવાનું કાર્ય દૂરથી કરે, આકાર અને રૂપથી સહજ આત્મા આકર્ષાય અને તેમાં પોતાના નિરાકાર, અરૂપી આત્માને સહજ ભૂલે. આકાર કે રૂપને વિશેષથી પકડવા માટે તેમાં રહેલી સુરભિ-ગંધ સહાયક બનશે. સત્તામાં રહેલ મોહનો ઉદયક્રમસર વિશેષ વૃદ્ધિ પામે તેમ તેમ આત્મા સ્વાત્માના ગુણોથી ચલાયમાન થઈ સ્વગુણોથી દૂર જશે, પુદ્ગલ તરફ સહેજ ખેંચાશે. ગુલાબ, કમળ કે ચંપાનું પુષ્પ જેમાં અત્યંત તીવ્ર સુરભિ ગંધ રહેલી છે તેનો બાહ્યાકાર-રૂપ પ્રથમ જીવને આકર્ષણનું કારણ બનશે અને પછી તેની ગંધ માણવા તે પુષ્પને લેવા જશે અને વિશેષથી માણવા નાક આગળ લગાવી તેની સુગંધ માણી પોતાને સુખી માનતા પોતાનું ચિત્ત (મન) પ્રસન્નતાને અનુભવશે.
સ્વ સ્વભાવથી છૂટવું તે પાપ અને પર સ્વભાવરૂપે થવું તે મહાપાપ: જે પ્રસન્નતા આત્માએ પરની પરાધીનતા છોડીને માણવાની હતી તેને બદલે મોહરાજા આત્માને પરના સ્વભાવ પ્રમાણે વર્તાવી સ્વ સ્વભાવથી છોડાવી પાપના પોટલા બંધાવે. સ્વ સ્વભાવથી છૂટવું એ જ પાપ અને પર સ્વભાવરૂપે થવું તે મહાપાપ.
અજીવ તત્વ | 241