________________
દેહમાં નહી રહેવાની બુદ્ધિ અને આત્મામય બનવાની રુચિ એ જ અમરપણું. કલિકાલ સર્વજ્ઞ ભગવંતે ભવ્યાત્મા અને એમાં પણ જે આસન્નભવ્ય જીવો છે, જે હવે ભવના નિસ્તારને ઈચ્છી રહ્યા છે તેવા આત્માઓને ઉદ્દેશીને યોગશાસ્ત્રની રચના કરી છે. જે શાસ્ત્રોનું અમૃતપાન કરે અને જેને હવે સંસારથી છૂટા થવાનો થનગનાટ જાગે તેને જ અમૃતપાન સફળ છે. મિથ્યાત્વનું ઝેર આત્મા માટે મૃત્યુરૂપ અને સમક્તિને અમૃતરૂપ. અમર કરે તે અમૃત. શરીરમાં મરવું એ મહાપીડા અને આત્મામાં જીવવું એ મહાસુખ. માટે જ પરમાત્માના મુખારવિંદમાંથી શબ્દ નીકળ્યો કે જીવો અને જીવવા દો ઉપકાર કરવો એ જીવનો સ્વભાવ જ છે. જે જીવનને સમજે એ જ જીવવું સમજી શકે. જીવે પોતાના ભાવ પ્રાણોમય બનવું તે જીવવું અને ભાવપ્રાણોને ભૂલી જવું તે મરણ. આત્મવીર્યને પોતાના સ્વભાવ પ્રમાણે વર્તાવે ત્યારે તે જીવી રહ્યો છે. દ્રવ્યપ્રાણોને જ જે જીવન માની બેઠા છે, દ્રવ્યપ્રાણથી જ જીવાય છે એવું માની બેઠા છે, તે બીજા જીવોના દ્રવ્યપ્રાણ ને ભાવપ્રાણથી આહૂતિ પર પોતાનું જીવન જીવશે અને તે એક-બે નહીં પણ સંખ્યાત, અસંખ્યાત કે અનંતા જીવોની આહુતિ લેશે. દ્રવ્ય પ્રાણની સાથે ભાવપ્રાણ રહેલા જ છે.
જીવીને જીવવું એ સુખી થવાનો ઉપાય. મરીને મારવું એ દુઃખી થવાનો ઉપાય.
કોઈપણ જીવાત્મા પોતાના દ્રવ્ય પ્રાણોને છોડવા તૈયાર નથી અને આપણે એના પ્રાણ લીધા વિના રહી શકવાના નથી. એના પ્રાણો લેવાનો આપણને શું અધિકાર? માટે જ ૪ અદત્ત બતાવ્યા. સ્વામી અદત્ત, જીવ અદત્ત, તીર્થંકર અદત્ત અને ગુરુ અદત્ત. અદત્ત એટલે ચોરી કરીને જીવવાનું જીવન ચોરી અર્થાત્ રત્નત્રયીની ચોરી. જ્યારે આપણે સ્થાવરકાયના પ્રાણ લઈએ ત્યારે એ શું કરે? એ પરાધીન છે, અને આપણે પાછા એમાં સુખ માનીએ આનંદ માણીએ છીએ. એના દ્રવ્ય ભાવપ્રાણોની કતલ સાથે આપણે આપણા ભાવપ્રાણોની પણ ભયંકર હિંસા કરીએ છીએ માટે જ સચિત્ત અચિત્તનો વ્યવહાર છે. ભાવ પ્રાણ રૂપ જીવે ત્યાં સુધી એ સચિત્ત ને ભાવ પ્રાણ નીકળી ગયા ત્યારે એ અચિત્ત. માટે જ પરમાત્માએ સુખી થવાનો માર્ગ બતાવ્યો અને એ જો સમજીએ તો માર્ગ પર બહુમાન થયા વિના ન રહે. આવો અલભ્ય માર્ગ, દુર્લભ માર્ગને એ માર્ગ પર જેના મંડાણ થાય તેના દુઃખ દૂર થયા વિના ન રહે. સંસાર પર જેનું બહુમાન તૂટયું તેને જ માર્ગ ગમે.
અજીવ તત્વ | 167