________________
આમ અરૂપી એવો પોતાનો આત્મા સત્તાએ જિન-સિદ્ધ-પરમાત્મા છે અને બધા જીવો પણ સત્તાએ સિદ્ધ સ્વરૂપી છે પ્રમાણે શ્રદ્ધાના પરિણામ ધારી રાખવાથી દર્શન પ્રભાવે મોહ નાશ પામે, જ્યારે ઘાતિ કર્મોનો નાશ થાય. ત્યારે કેવલજ્ઞાન પ્રગટ થાય ત્યારે પ્રત્યક્ષદર્શન થાય. જેને પ્રત્યક્ષ દર્શન થાય છે અને કરી રહ્યા છે તેવા સર્વજ્ઞની દષ્ટિથી એટલે સમ્યગ્દષ્ટિથી આત્માના દર્શન કરવાના છે, તો પરોક્ષદર્શન થશે. પોતાની બુદ્ધિ ગીરવે મૂકી દેવાની અને મારા સર્વજ્ઞ પરમાત્માએ શું કહ્યું છે? તેનું સતત સ્મરણ કરવાનું. મનની અંદર સર્વજ્ઞ પ્રભુ રમતા હોય તો મિથ્યાત્વ ત્યાં ટકી શકે નહીં. ભગવાનની આજ્ઞાનું સ્મરણ મનમાં સદા ચાલતું હોવું જોઈએ. મારા પ્રભુએ કહ્યું છે તત્ત્વનો પરિચય કર. આ વિનાની બધી આરાધના સંપૂર્ણ સફળ નહીં થાય. આરાધના આરાધનારૂપે નહીં બને. તત્ત્વ વિના આરાધનામાં અજ્ઞાન-મોહ રહેવાની સંભાવના છે. મોહ દૂર કરવાનો ઉપાય પણ પ્રભુએ એક જ કહ્યો છે. તેવાવવીધાત્ પથતિ મોહઃા (હૃદયપ્રદિપ ષત્રિશિંકા) તત્ત્વના અવબોધથી જ મોહ દૂર થાય અને જયાં સુધી મોહ દૂર ન થાય ત્યાં સુધી મોહની પ્રેરણા પુદ્ગલને આગળ કરવાની અને જીવને ભૂલવાની જ હોય. અને આથી આપણે આપણા જિનથી દૂર રહીએ છીએ, દેહને આગળ કરીએ છીએ. તેથી વધારે સાવધાન થવાનું છે.
અનંતકાળથી રખડવાનું કારણ શું હતું? પ્રભુનો મારગ મળ્યો પણ પ્રભુની દષ્ટિ પ્રમાણે ન ચાલ્યા. પ્રભુની દષ્ટિને પકડીને આરાધના ન કરી. ખૂબ દોડાદોડી કરી, યાત્રાઓ ખૂબ કરી, તીર્થના પગથિયા ઘણાં ઘસ્યા પણ અંદર ઘસારો પહોચ્યો નહીં. આત્મા પર ધ્રુજારી થાય, અનુકંપા થાય તો પોતાનો પ્રસાદ ખટકે અને એને દૂર કરવાનો ભાવ થતા તે માટેનો યથા શકય પ્રયત્ન કરીએ તો આપણે જિનેશ્વર પરમાત્માની સન્મુખ થયા ગણાય. સર્વજ્ઞને પ્રથમ સાધવાના છે. સર્વજ્ઞ કથિત શાસ્ત્રને સાધવાના છે અને તે ગુરુને આધીન છે અર્થાત્ સર્વજ્ઞની દષ્ટિ મેળવવા સર્વજ્ઞ તત્ત્વનો પરિચય કરવા જ્ઞાતા ગુરુની વિનય વૈયાવચ્ચ વડે ઉપાસના કરવા રૂપ જિનવચન-જિનઆજ્ઞા માનવી અને તેને પાળવી જોઈએ, તે જ સર્વજ્ઞ બનવાનો એક માત્ર ઉપાય છે.
અજીવ તત્વ | 85