________________
પણ વાળઆંખની ભ્રમર તો કાળી જ શોભે. લોકો ધોળા વાળને કાળા કરવા પ્રયત્ન કરે. ચામડીને ધોળી કરવા અનેક પાપો કરે.
જ્યારે યોગીઓનો માર્ગ નિરાળો. યોગીઓ આંખનો ઉપયોગ માત્ર જયણા માટે કરે. પુદ્ગલ રૂપને નિહાળી આંખ તરત ખેંચી લે જેમ કીડી આદિ જીવને જોતાં જ તરત પગને ખેંચી લે. ત્યાં જીવની જયણા પાળે. તેમ આત્માની રક્ષા કરવા આંખનો ઉપયોગ કરે. જેમ આંખમાં કચરો ન જાય તેની કાળજી કેટલી કરીએ છીએ ? જરાક કચરો જાય તો તરત આંખ બંધ કરી દઈએ કચરો સાફ કરી દઈએ. તેમ આંખ વડે વિકારભાવ પ્રવેશી ન જાય તે માટે યોગીઓ આંખનો ઉપયોગ સાવધાની પૂર્વક કરે. જેથી તેનો સામાયિક ભાવ ખંડીત ન થાય. નહીં તો રૂપને નિહાળવામાં દષ્ટિ આકર્ષાય, સ્થિર થાય તો જીવને જોવાની તેની સતત રક્ષા કરવા માટે સામાયિક ભાવ અખંડિત રાખવાનું ચૂકી જવાય. 'હું કોણ છું ?' નો ઉપયોગ શાતા સ્વભાવ માટે જરૂરી છે. 'હું' અરૂપી, નિરાકાર, નિર્વિકારી આત્મા છું અને રૂપ–અરૂપી, સાકાર–નિરાકાર તે બન્નેને જોવાનું કામ મારે કરવાનું છે. પણ હાલ રૂપી એવી આંખને પરાધીન બનીને ચામડીની આંખથી જોવાને ટેવાયેલો છું. આથી ચામડાની આંખથી નિરાકાર એવા આત્માના દર્શન થઈ શકતા નથી. માત્ર રૂપી ચામડીથી મઢેલું વીંટળાયેલ શરીર અને શરીરવાળા જીવો દેખાય છે. પણ તેમનામાં રહેલો આત્મા દેખાતો નથી.
'ચરમ નયણે નિહાળતા ભૂલ્યો સયલ સંસાર, જેણે કરી નયણે મારગ જોઈને નયણ તે દિવ્ય વિચાર. (૫. આનંદઘનજી) આત્માને જોવા માટે ચર્મચક્ષુ કામ ન આવે તેના માટે તો દિવ્યચક્ષુ જોઈએ. અને દિવ્યચક્ષુ માટે
'પ્રવચન અંજન જો સદ્ગુરુ કરે, દેખે પરમ નિધાન. હૃદય નયણ નિહાળે જગધણી, મહિમા મેરુ સમાન.'
નવતત્ત્વ // ૨૧૨
(૫. આનંદઘનજી)