________________
૭૦૪ ]
[ મહામણિ ચિંતામણિ
શિખામણ આમ જોઈએ તો સ્પષ્ટ છે પરંતુ આધ્યાત્મિક માર્ગની તે ગહનતમ, સૂક્ષ્માતિસૂક્ષ્મ શિખામણ છે. એ જો સંપૂર્ણપણે અમલમાં મૂકી શકાય તો કેવળજ્ઞાન અને મોક્ષ ક્ષણવારમાં પ્રાપ્ત થઈ શકે.
સારી રીતે જીવવું એ જીવોનું પાર્થિવ લક્ષણ છે, પરંતુ ભોગોપભોગથી ભરેલા આ પાર્થિવ જીવનથી પર કોઈ સનાતન, નિરુપાધિક અસ્તિત્વ છે એની આંતપ્રતીતિ તો કોઈક વિરલ મનુષ્યોને જ થાય છે. વ્યવહારમાં જેમ અનેક કાર્યો પ્રમાદને લીધે થઈ શકતાં નથી, તેમ આધ્યાત્મિક માર્ગની કેટલીક સિદ્ધિઓ ચિત્તની પ્રમત્તાવસ્થાના કારણે પ્રાપ્ત થતી નથી. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ ચાર એમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આ જગત જ્ઞાનીઓની દષ્ટિએ તો અજ્ઞાન અથવા મિથ્યાત્વના ગાઢ અંધકારથી ભરેલું છે. મિથ્યાત્વનો અંધકાર જેમનામાંથી ચાલ્યો ગયો છે, સાચી સમજણ જેમને પ્રાપ્ત થઈ શકી છે, તેઓ પણ પ્રમાદને કારણે અવિરતિમાં અટકી પડે છે. પ્રમાદ જગતના જીવોને જટિલ જંજાળોમાં જકડી રાખે છે. ક્રોધાદિ કષાયો અને મન, વચન તથા કાયાના યોગો જીવને સન્માર્ગે જતાં અટકાવે છે. જે જીવો પોતાની આત્મશક્તિને ખીલવે છે તેઓ બધા અંતરાયો ભેદીને મુક્તિપથ પર પ્રગતિ કરી શકે છે, પરંતુ તેમાં પણ ક્ષણ ક્ષણની, સમય-સમયની અપ્રમત્તાવસ્થા પ્રાપ્ત થવી ઘણી દુષ્કર છે. એવા માર્ગે ગયેલા મનુષ્યોમાંથી પણ મોટા ભાગના મનુષ્યોની સ્થિતિ તો એવી હોય છે કે ધર્મ શું છે તે સમજાય છે પરંતુ તેમાં પ્રવૃત્ત થવાતું નથી, અને અધર્મ શું છે તે પણ સમજાય છે પરંતુ તેમાંથી નિવૃત્ત થવાતું નથી.
जानामि धर्मं न च मे प्रवृत्तिः ।
जानाम्यधर्मं न च मे नित्तिः ॥ આમ છતાં, આટલું જાણવા જેટલી સ્થિતિએ પહોંચાયું છે, ધર્મ કે અધર્મ વિષેના અજ્ઞાનની | સ્થિતિ નથી, એટલી જાગૃતિ પણ ઈષ્ટ છે.
સમ્યગદર્શન અને સમ્યગૃજ્ઞાન પ્રાપ્ત થવાં સરળ નથી, પરંતુ એ પ્રાપ્ત થયા પછી તદનુસાર સમ્યગુચારિત્ર ઘડવું એ પણ ઘણી દુષ્કર વાત છે. પ્રમાદ એમાં મહત્ત્વનો ભાગ ભજવે મોહનીય કર્મ જીવને ભગાડે છે. સૂક્ષ્માતિસૂક્ષ્મ રાગ જીવથી છૂટતો નથી. વીતરાગપણે સહેલાઇથી મેળવી શકાતું નથી, અથવા મેળવ્યું હોવા છતાં પ્રમાદને કારણે ન મેળવ્યા જેવું ઘડીએ ઘડીએ ચાલ્યા કરે છે. છઠ્ઠા અને સાતમાં ગુણસ્થાનક વચ્ચે જીવ અનેકવાર ચડ-ઊતર કર્યા કરે છે. ઉપરના ગુણસ્થાનકે જીવ પ્રમાદના કારણે જ સ્થિર થઈ શકતો નથી. વારંવાર સ્થિર થવાનો મહાવરો જેઓ અનેક વખત કરતા રહે છે તેઓ તેના ઉપર પછી સ્થિર થઈ જાય છે. કોઈ વિરલ મહાત્માઓ પ્રથમ પ્રયાસે જ અપ્રમત્ત બની સ્થિર થઈ જાય છે. ઊર્ધ્વગામી બને છે.
ચિત્તની આ ક્રિયા અતિ સૂક્ષ્મ છે. ભગવાને એટલા માટે શબ્દ વાપર્યો છે ‘સમય.’ ભગવાને ગૌતમસ્વામીને કહ્યું છે કે સમયમાત્રનો પણ પ્રમાદ ન કરીશ.” સમયનો સાદો અર્થ છે કાળ. પરંતુ અહીં ‘સમય’ શબ્દ જૈન પારિભાષિક અર્થમાં વપરાયો છે. સમય એટલે કાળનું નાનામાં નાનું એકમ (unit.) જેના બે ભાગ થવાનું શક્ય નથી એવો કાળ તે સમય. સમયનું સ્વરૂપ અને સમયનું માપ સમજવા માટે સરસ પ્રતીતિકર ઉદહરણો અપાયાં