________________
૭૦૦ ]
[ મહામણિ ચિંતામણિ
બે દેવો, પોતાની જિજ્ઞાસાને પૂરી કરવા ભગવાન મહાવીર પાસે આવ્યા. તેઓએ અંતરના ભાવોલ્લાસપૂર્વક મનથી જ ભગવાનને વંદન કર્યું અને પોતાની જિજ્ઞાસા પણ મનથી જ પ્રભુને જણાવી–જાણે જ્ઞાનજ્યોતિ ભગવાન પાસે વાણીનો કોઇ ઉપયોગ નહોતો રહ્યો !
પ્રભુ તો ઘટઘટના અંતર્યામી. એમણે પણ મનોમન દેવોની શંકા જાણીને એનો ખુલાસો પણ મનથી જ કરી દીધો—જાણે પ્રભુએ અને દેવોએ મનોમન જ વાત કરી લીધી. સમાધાન મેળવીને દેવો સંતોષ પામ્યા.
ધ્યાન પૂરું કરીને ગૌતમસ્વામી વિચારવા લાગ્યા : આ દેવો કોણ હશે અને ભગવાન પાસે શા માટે આવ્યા હશે? તેઓ આ સવાલનો જવાબ મેળવવા ભગવાન પાસે ગયા ત્યારે ભગવાને એમના મનની વાત પામી જઈને કહ્યું : “ગૌતમ! તમારા પ્રશ્નનો જવાબ દેવો પાસેથી જ મેળવી લ્યો.”
ગૌતમસ્વામી એ દેવો પાસે ગયા. દેવોએ કહ્યું : “હે ભગવાન! અમે મહાશુક્ર નામે દેવલોકમાંથી આવ્યા છીએ. ભગવાનના કેટલા શિષ્યો મોક્ષે જશે એ અમારી જિજ્ઞાસા હતી. સર્વજ્ઞ ભગવાને વાણીનો ઉપયોગ કર્યા વગર મનથી જ અમને જવાબ આપ્યો કે “હે દેવાનુપ્રિયો ! સાતસો શિષ્યો સર્વ દુઃખોનો નાશ કરી મોક્ષના શાશ્વત સુખને પામશે.”
(૧૧) સૂર્યાભદેવનો પૂર્વભવ
ભગવાન મહાવીર એક વાર આમલકપ્પા નગરીમાં પધાર્યા. એ વખતે સૂભ નામે દેવ ભગવાનના દર્શન કરવા આવ્યો હતો.
એ દેવની સમૃદ્ધિ જોઇને ગૌતમસ્વામીએ ભગવાનને પૂછ્યું : “ભગવાન ! આ દેવ પૂર્વભવે કોણ હતો ?”
ભગવાને કહ્યું : “ગૌતમ ! પહેલાં કેકયા નામે દેશમાં પ્રદેસી નામે રાજા રાજ્ય કરતો હતો. એ રાજા આત્મતત્ત્વના અસ્તિત્વને માનતો નહોતો. એની દૃઢ માન્યતા હતી કે આત્મા નામનું શાશ્વત દ્રવ્ય હોઇ શકે જ નહીં. સદ્ભાગ્યે એને પુરુષાદાણી ભગવાન પાર્શ્વનાથના અનુયાયી કેશી નામના શ્રમણનો સત્સંગ થયો. એ જ્ઞાની શ્રમણે અનેક દાખલાઓ અને દલીલો આપીને આત્માનું અસ્તિત્વ સમજાવ્યું અને એને ધર્માભિમુખ બનાવ્યો. એ પ્રદેસી રાજાનો જીવ તે જ આ સૂર્યભદેવ. ધર્મની આરાધનાને પ્રતાપે એ આવી સમૃદ્ધિ અને દેવગતિ પામ્યો.”
(૧૨) ‘નાલંદા-અધ્યયન'ની રચના
રાજગૃહી નગરી તો મગધદેશની રાજધાની. આજે એને ‘રાજગર’ કહે છે.
તીર્થભાવનાથી પવિત્ર થયેલ પાંચ પહાડો એના ગૌરવમાં વધારો કરે છે અને એની ધર્મસંસ્કારિતાની કીર્તિગાથા સંભળાવે છે. ભગવાન મહાવીરનાં અનેક ચોમાસાંથી અને સંખ્યાબંધ પુણ્યાત્માઓના મોક્ષગમનથી એ ભૂમિ પાવન થયેલી છે.
બૈદ્ધ-ધર્મ-સંઘના ઇતિહાસમાં પણ એનો ઘણો મહિમા છે, એટલું જ નહીં; ભગવાન બુદ્ધના પરિનિર્વાણ પછી બૌદ્ધ ધર્મશાસ્ત્રો ત્રિપિટકોની શુદ્ધિ અને સાચવણી માટેની પહેલી સંગીતિ (વાચના) પણ રાજગૃહીના પાંચ પહાડોમાંના એક પહાડ ઉપરની એક ગુફામાં જ થઇ હતી.