________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૬૯૩
વગરના ખાલી કોથળાની જેમ ટટળવા લાગી. અને છતાં દીનતાનું નામ નહીં ધન્યમુનિ મહાયોગીની જેમ નિજાનંદમાં સદા મગ્ન રહેતા. એમની જાગૃતિ અજબ હતી.
એક વાર રાજા શ્રેણિક ભગવાન મહાવીરના વંદને આવ્યા. ધન્ય અણગારનાં દર્શન કરી એમની સાવ જર્જરિત કાયા જોઈ, એ ભારે અહોભાવ અનુભવી રહ્યા ? કેવા આત્મસાધક વીર ! પછી શ્રેણિક રાજાએ ભગવાનને કહ્યું : “ભગવાન ! આપના શ્રમણ સમુદાયમાં ઇદ્રભૂતિ ગૌતમ ગણધર વગેરે બધા સાધુઓમાં આ ધન્ય અણગાર સોથી મોટા સાધક અને મહાદુષ્કર સાધનાના કરનારા અને કર્મોનો મૂળમાંથી નાશ કરનારા મહાશૂરવીર છે, એમ હું માનું છું”
ભગવાને કહ્યું : “રાજન ! તમારી વાત સાચી છે. ધન્યમુનિ મારા બધા શ્રમણોમાં મહાદુષ્કર સાધના કરનારા છે.” સાંભળનારા ભગવાનની ગુણગ્રાહક અને મધ્યસ્થ દષ્ટિને પ્રણમી રહ્યા.
(૩) ભગવાનના સંદેશવાહક ભવિતવ્યતા ક્યારેક કેવા દુઃખદાયક સંબંધો જોડી દે છે !
રાજગૃહીના ગૃહપતિ મહાશતક અને એની ભાય રેવતી આવી જ દુઃખદ, કરુણ દશાનાં ભોગ થઈ પડ્યાં હતાં. એક ઉત્તરમાં જાય તો બીજું દક્ષિણમાં ખેંચે, એવાં એક-બીજાથી સાવ વિરોધી એમનાં મનનાં વલણો હતાં.
શ્રેષ્ઠી મહાશતક ભગવાન મહાવીરના શ્રમણોપાસક (શ્રાવક) સંઘમાં ભળ્યા હતા, અને એમની ભાવના અને પ્રવૃત્તિ ધર્મસાધનામાં ઉત્તરોત્તર આગળ વધવાની રહેતી. તેઓ હંમેશાં વ્રત, તપ અને નિયમોના પાલનમાં જાગતા રહેતા અને પોતાના ચિત્તને સ્થિર, સ્વસ્થ અને શુદ્ધ કરવાનો પ્રયત્ન કરતા!
પણ રેવતીની દિશા સાવ જુદી જ હતી. ઉંમર વધતી એમ એની ભોગ-વિલાસની વાસના અને ઇન્દ્રિયલોલુપતા વધતી જતી હતી. ખાન-પાનમાં એને મન નહીં ખાવા જેવું કે નહીં પીવા જેવું કશું જ ન હતું-એ ન ખાવાનું ખાતી અને ન પીવાનું પીતી! અને એની વિષયવાસના તો માઝા મૂકી દેતી હતી. એથી એને મહાશતક સાથે કોઈ મનમેળ નહોતો રહ્યો; અને એ તો હંમેશાં મહાશતક તરફના અસંતોષથી બળ્યા જ કરતી.
પોતાની વૃદ્ધ ઉંમર અને જીવનની અનિશ્ચિતતાનો વિચાર કરીને મહાશતકે, ધર્મનું શરણ લઇને, ઘરવ્યવહારનો ત્યાગ કર્યો અને એકથી એક ચઢિયાતી તપસ્યા અને સાધના કરવા માટે તેઓ પૌષધશાળામાં જ રહેવા લાગ્યા. વિલાસિતા અને નર્યા અસંયમના અવતાર સમી રેવતીથી આ બધું શી રીતે સહન થાય? એ તો અવારનવાર મહાશતકને ચલિત કરવા કંઈ કંઈ પ્રયત્નો કર્યા કરતી.
પોતાની અંતિમ સાધના કરવા મહાશતકે મરણ પર્વતના અનશનનો સ્વીકાર કર્યો, અને જન્મ-મરણના ફેરાથી સદાને માટે બચી જવા સારુ એકાગ્રતાથી શુભ ધ્યાનમાં સમય વિતાવવા લાગ્યા. તેઓ જીવનની તૃષ્ણા અને મરણના ભયથી ક્રમે ક્રમે મુક્ત થતા જતા
હતા.