________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ પ૬૫
મળવા ગયા. ૨૩મા ને ૨૪મા પ્રભુના શાસનના આચાર-વિચાર-ભેદોનો મુક્તમને તાત્ત્વિક પરિસંવાદ થયો. વયમાં ઘણા મોટા એવા કેશીકુમાર પણ એક પછી એક પ્રશ્ન પૂછતા ગયા ને વિનમ્રભાવે જ્ઞાનગોરિષ્ઠ ગૌતમ જવાબ આપતા ગયા. જેના ફળસ્વરૂપે કેશીકુમારે પોતાનું અસ્તિત્વ મહાવીરશાસનમાં વિલીન કરી દીધું.
સરળતા : કેવળી સમાન દેશના દેવા દ્વારા કંઈક આત્માઓના જન્મોજન્મના સંશય છેદનારા ગૌતમ, પ્રભુ પાસે અબૂઝ બની જતા ને એક અજ્ઞ બાળક પોતાની માતાને પ્રશ્ન પૂછે કે, “આ આમ કેમ?” “આ શું છે ?’ તેવી જ બાળ-અદાથી તેઓ પ્રભુને સંશય પૂછતા ને જવાબ મળતાં રાજીના રેડ થઈ જતા. નરેન્દ્ર-ચક્રી દેવતાઓને ઇન્દ્રોની સભામાં પ્રશ્ન પૂછવામાં પોતાની બનાનમ'નો અનુભવ ક્યારેય થયો ન હતો. લોકો મારા માટે શું વિચારશે ? એવો વિચાર જ તેમના માટે અસંભવિત હતો.
પ્રભુ વીરે જ્યારે તેમને ખેડૂતને પ્રતિબોધ કરવા મોકલ્યા ત્યારે વિચાર ન કર્યો કે, “મારા જેવા મહાનને, સર્વશ્રેષ્ઠ શિષ્યને, એક ખેડૂત જેવા મામૂલી માણસને પ્રતિબોધવાનું કામ ? મારો એક નાનામાં નાનો શિષ્ય પણ આ કામ કરી શકે. હું ૫૦,૦૦૦ શિષ્યોનો ગુરુ, પ્રથમ ગણધર...ને આવું કામ મારે કરવાનું?!”
વળી પ્રતિબોધ કરીને લાવ્યા ને પ્રભુનાં દર્શન પણ તેને કરાવ્યાં....પરંતુ તે જ ક્ષણે વૈરના સુષુપ્ત સંસ્કાર તેનામાં જાગૃત થયા..ને ગૌતમના હાથમાં ઓઘો સોંપી, કપડાં કાઢી, ઊભી પૂંછડીએ તે ખેડૂત ભાગ્યો. ત્યારે પણ ગૌતમે એમ ન વિચાર્યું કે, પ્રભુ જ્ઞાનમાં જોતા જ હતા ને જાણતા હતા કે આ અબૂઝ પાછો ભાગવાનો છે તો પણ આવી ફોગટ માથાફોડ કરવા શા માટે મને હેરાન કર્યો?
આ હતી તેમની સરળતા. પ્રભુએ કહ્યું, જાવ. એટલે બીજો વિચાર કે વિકલ્પ વિચારવાનો જ નહીં.
તેઓ ૫0,000 શિષ્યના ગુરુ બીજા નંબરે હતા, પહેલા નંબરે તેઓ વીરના અદના સેવક હતા. ચાર જ્ઞાનની માલિકી ભલે તેમની કહેવાતી, પણ તે જ્ઞાન તેમણે પ્રભુચરણમાં ગીરવે મૂકેલું. જેટલું જ્ઞાન પ્રભુ પાસેથી પ્રાપ્ત થાય તેટલું જ ઉપયોગમાં લેવું એ તેમનો જીવનમંત્ર હતો. પોતે બધું જાણવા છતાં પ્રભુજીને પ્રશ્ન પૂછી પૂછીને પોતાની અજ્ઞાનતા પ્રગટ કરવામાં તેમને અનહદ આનંદ આવતો. અને પ્રભુમુખેથી જ્યારે “ગોયમ' શબ્દ સાંભળતા ત્યારે તો કદાચ મોક્ષને ય ભૂલી જતા ! તે સમયે એમના રોમે રોમમાં અકથ્ય આનંદની છોળો ઊછળતી, કોઈ દિવ્ય-અલૌકિક સુખના સાગરમાં ખોવાઈ જતા..
સહનશીલતા : તનતોડ કાયાનાં કષ્ટો સહન કરવા કરતાં વચન પરિષહ વેઠવા કઠિન છે. ગાળને ગોળ ગણી મજેથી ગળી જવી સરળ તો નથી જ. ને આ બંને કરતાં “આંતરસંતાપ સહેવો અતિ કઠિન છે. ઈષ્ટની અપ્રાપ્તિથી થતા હૈયાબળાપા અનિષ્ટની પ્રાપ્તિથી થતા આત્મસંઘર્ષના ધડાકા.....આપણને ગમતી-જોઈતી વસ્તુ બીજાને અનાયાસે પ્રાપ્ત થઈ જાય, અને આપણે તનતોડ પ્રયત્ન કરવા છતાં હવામાં હવાતિયાં મારવા જેવી દશા થાય ત્યારે અંતરમાં ઊઠતી અકથ્ય વેદના અને શોકની ઘેરી લાગણી વેઠવી કઠિન છે. આ તો ભોગવે એ જ જાણે !