________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૪૩૩
કરીને આ પૃથ્વીની રક્ષા કરવાની છે. આ તો નર્યો ઉલ્કાપાત મચે તેવી વાત છે.' ઇન્દ્રભૂતિએ આવેશમાં કહ્યું. વાર્તાલાપથી તેમના ધૈર્ય અને સહનશક્તિનો જાણે અંત આવી ગયો હતો.
મોટાભાઈની વાતને સમર્થન આપતાં વાયુભૂતિ પંડિતે પણ કહ્યું, “વિવિધ પરિવ્રાજકો સાધના કરી શકે; પણ યજ્ઞ, ક્રિયાકાંડ અને ધર્મમીમાંસાની વાત તો કેવળ બ્રાહ્મણો જ કરી શકે. લાગે છે કે કળિયુગની અસર આપણને પૂરેપૂરી થશે.'
પ્રભાસ પંડિતે પોતાનું ઉપવસ્ર સરખું કર્યું. પોતાનું સુકોમળ વદન બે બાજુ ફેરવીને સૌનું ધ્યાન આકર્ષિત કરતાં તેમણે કહ્યું, વિપ્રવર્યો, ફક્ત બ્રાહ્મણો જ વેદવિદ્યા ભણી શકે એ વાત તો આપણને સૌને સ્વીકાર્ય છે; પણ અન્ય વર્ણના સાધકો જ્ઞાનસાધના ન કરી શકે એવો આગ્રહ અનુચિત અને અયોગ્ય જ ગણાય! આપણે આપણી શ્રેષ્ઠતા જ્ઞાન, લોકોપકાર ને બ્રહ્મવિદ્યા દ્વારા સિદ્ધ કરવી જોઈએ. પ્રાચીન ઋષિઓમાં ક્યાં વર્ણબાધ હતો ? ક્ષત્રિય એવું અન્ય વર્ણીઓએ સંન્યાસ દ્વારા સાધના કરીને બ્રહ્મજ્ઞાન મેળવ્યું જ છે, અને તેનાં ઘણાં ઉદાહરણો પણ મળી આવે છે. અતઃ આપણે એ આગંતુક મહાત્માના સંબંધે જ જાણકારી મેળવવી જોઈએ, અને તે જ્ઞાનની કસોટી પણ કરવી જોઈએ.’
“રાજગૃહીના સૌમ્ય પંડિત પ્રભાસજી સત્ય કહે છે.' મંડિત પંડિતે પોતાનો સૂર પુરાવ્યો. વળી ઉમેર્યું, તેમના જ્ઞાનની સાધના બાબત આપણે વિશેષ જાણવું જોઈએ. અને એ પરીક્ષા તો આપણે સ્વયં જ કરવી પડશે. કારણ કે શિષ્યમંડળે પ્રાપ્ત કરેલાં તથ્યો હજી તો કર્ણોપકર્ણ જ ગણાય !'
મંડિત મહાશયની વાત ઇન્દ્રભૂતિને યોગ્ય લાગી. તેમણે તારસ્વરે કહ્યું, “જ્ઞાનની કસોટી તો કરવી જ પડશે. આપણે વાદ દ્વારા જ તે કહેવાતા જ્ઞાનીને મહાત કરવો પડશે. બ્રાહ્મણોનું વિદ્યારાજ્ય ખંડિત કરવાના તેના પ્રયત્નો સાંખી શકાય નહીં!!'
અત્યાર સુધી અચલ રહેલા મેતાર્ય પંડિતે સવિનય વાત મૂકી; વિદ્વશ્રેષ્ઠ ! જ્ઞાનની વાત જ મહત્ત્વની છે. આપણા શિષ્યોએ તે સંતપુરુષના જ્ઞાન વિશે શું જાણ્યું-સાંભળ્યું તે પહેલાં આપણે જાણી લઈએ અને પછી જ વાદ માટેની તૈયારી કરીએ.'
પ્રભાસશિષ્યો—પ્રઘોષ અને પ્રબુદ્ધે આંખો ઊંચી કરી. ગુરુજનોની સાંકેતિક અનુમતિ મળતાં પ્રઘોષે કહ્યું, લોકો તે મહાત્માને સર્વજ્ઞ કહેતા હતા.'
‘શું કહ્યું ? સર્વજ્ઞ ? એટલે કે સર્વ તથ્યોને જાણનારા ? ભૂત, ભાવિ અને વર્તમાનને જાણનારા ?' અકંપિત પંડિતે વચ્ચે જ આશ્ચર્ય વ્યક્ત કર્યું. અરે, એટલું જ નહીં, પણ સર્વજ્ઞ તો તેને જ કહી શકાય કે જે જનજનના મનની વાત જાણતો હોય અને દર્શાવી શકતો હોય !’
‘સુલય, નીલય, તમારે આ બાબતમાં કંઈ કહેવું છે ?’ સુધર્મા પંડિતે મેતાર્યશિષ્યોને પૂછ્યું.
સુલયે ગંભીરતાથી વાત શરૂ કરી, ‘જાણવા મળ્યું છે તે પ્રમાણે એ મહાસાધકે સાધનાકાળનાં સાડાબાર વર્ષ ઘોર તપશ્ચર્યા અને સૂક્ષ્મ ધ્યાનદશામાં જ વિતાવ્યાં છે. આત્મધ્યાનને અંતે તેમણે ગઈ કાલે જ પૂર્ણ જ્ઞાન સિદ્ધ કર્યું છે. આ પહેલાં પણ તેમને ખૂબ જ જ્ઞાન હતું, પણ સાધકો તે જ્ઞાનને અંશજ્ઞાન ગણાવતા હતા. તે અંશજ્ઞાન દ્વારા પણ તેઓ સજ્જડ ભવિષ્યકથન કરી શકતા હતા.’
૫૫