________________
૧૮૦ ]
[ મહામણિ ચિંતામણિ
છે. જૈન સાહિત્યના ઇતિહાસ વિષેના જુદા જુદા દળદાર ગ્રંથોમાં આપેલી કૃતિઓની સૂચિ જોતાં આ વાતની પ્રતીતિ થશે. ભાઈ દેવલુકે ગૌતમસ્વામી વિષે વર્તમાન કાળમાં થયેલી રચનાઓ સહિત પ્રકાશિત થયેલી અને ઉપલબ્ધ એવી લગભગ બધી જ કૃતિઓ આ ગ્રંથમાં સમાવિષ્ટ કરી લીધી છે. આ કૃતિઓ ઉપર નજર ફેરવતાં જ જોઈ શકાય છે કે ગૌતમસ્વામી વિષે સ્તોત્ર, અષ્ટક, છંદ, સ્તવન, સ્તુતિ, ચૈત્યવંદન, સક્ઝાય, ગીતિકા, વિલાપ, વંદના, માતૃકા, એકતિસા, ચાલીસા, રાસ, લઘુરાસ, આરતી, મંગળ દીવો, દેવવંદનવિધિ, છઠ્ઠ તપની વિધિ, મોટી પૂજા, પૂજન, મહાપૂજન વગેરે કેટલા બધા પ્રકારની કૃતિઓ લખાઈ છે. સાધુ ભગવંતો માટે તો ગૌતમસ્વામીનું પુણ્યશ્લોક નામ અનિવાર્યપણે પ્રતઃસ્મરણીય ગણાય છે, પણ ગૃહસ્થો માટે પણ તે એટલું જ મહિમાવંતું છે. ઉપાશ્રયોમાં તો લગભગ રોજ જ ગૌતમસ્વામીની સ્તુતિ “મંગલ ભગવાન વીરો’ અને ‘અંગૂઠે અમૃત વસે' બોલાતી હોય છે.
ગૌતમસ્વામી વિષેના આ સંગ્રહમાં વજૂસ્વામી, જિનપ્રભસૂરિ, મુનિસુંદરસૂરિ, જિનચંદ્રસૂરિ, વિનયપ્રભજી, સમયસુંદરજી, ક્ષમાકલ્યાણજી, લાવણ્યસમયજી, ઉપાધ્યાય યશોવિજયજી, જ્ઞાનવિજયજી, સૌભાગ્યવિજયજી, વગેરેની પ્રાચીન મહિમાવંતી કૃતિઓ આપવામાં આવી છે. તદુપરાંત અર્વાચીન કાળની પદ્ય કૃતિઓ પણ આપવામાં આવી છે. ગદ્ય વિભાગમાં અત્યાર સુધીમાં ગૌતમસ્વામી વિષે લખાયેલા લેખો આ ગ્રંથમાં સંગ્રહિત કરવામાં આવ્યા છે. આ બધી સામગ્રી ગુરુ ગૌતમસ્વામીના જીવન વિષે (પૂર્વભવો સહિત) ઘણો સારો પ્રકાશ પાડે છે. આટલી બધી કૃતિઓ અને આટલા બધા લેખો એક જ સ્થળે ઉપલબ્ધ કરી આપવામાં આવ્યા હોય તો દેખીતું જ છે કે તેમાં પુનરુક્તિ થયા વગર રહે નહિ. પહેલી વાર તૈયાર થતા આવા પ્રકારના ગ્રંથમાં પુનરુક્તિને દોષરૂપે નહિ પણ એના એક સ્વાભાવિક લક્ષણ તરીકે જોવી જોઈએ. ભવિષ્યના સંશોધકો–સંપાદકો માટે અહીં પુષ્કળ પ્રમાણમાં તૈયાર સામગ્રી, અથાગ પરિશ્રમ કરીને, આપવામાં આવી છે. પુનરુક્તિ અને કાલાનુક્રમમાં બેના સંદર્ભમાં ભાવિ સંશોધકો–સંપાદકો વધુ સારી રીતે કાર્ય કરી શકશે, કારણ કે સામગ્રી એકત્રિત કરવાનું ભગીરથ કાર્ય આ ગ્રંથ દ્વારા થઈ ચૂક્યું છે. ગુરુ ગૌતમસ્વામી વિષેના પ્રાચીન કે અર્વાચીન સાહિત્ય વિષે કોઈને પીએચ. ડી.ની કક્ષાનો અભ્યાસ કરવો હોય તો ભાઈ નંદલાલ દેવલુકે કેટલી બધી સરળતા કરી આપી છે ! આશા છે કે એ દિશામાં વહેલી તકે સંશોધનકાર્ય થાય.
હસ્તપ્રતોમાં ગૌતમસ્વામીની નાની ચિત્રકૃતિઓ છે તથા વર્તમાન સમયમાં ચિત્રો તૈયાર થયાં છે. તથા ગૌતમસ્વામીની પ્રતિમાઓ પણ જિનમંદિરોમાં તથા અન્ય સ્થળે છે. તેની ઘણી છબીઓ ઉપલબ્ધ છે. આ ગ્રંથમાં એવી ઘણી છબીઓ આપવામાં આવી છે, જે ગ્રંથની મૂલ્યવત્તામાં વૃદ્ધિ કરે છે.
ભાઈ શ્રી નંદલાલ દેવલુકે આ ગ્રંથના સંપાદન–પ્રકાશન માટે જે પ્રશસ્ય પુરુષાર્થ કર્યો છે તેને હું હૃદયપૂર્વક આવકારું છું. મને આશા છે કે આ સંદર્ભગ્રંથ વિવિધ દષ્ટિકોણથી અનેકોને માટે સહાયરૂપ અને પ્રેરણારૂપ બની રહેશે!