________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૧૫૩
છે. વજ્રસ્વામી (વિક્રમની ૪૯૬-૫૮૪)એ ૫૧ શ્લોકમાં શ્રી ગૌતમસ્વામી સ્તોત્ર રચ્યું છે, જેમાં કવિના હૃદયમાં ગૌતમનો નિર્મળ દેહ વિવિધ રૂપ ધારણ કરે છે. એ જ રીતે પ્રાકૃત અને સંસ્કૃતમાં રચાયેલાં શ્રી જિનપ્રભસૂરિજી રચિત ગૌતમસ્વામી સ્તોત્ર શબ્દ અને અર્થ બંને રીતે અતિ સમૃદ્ધ છે. એ સ્તોત્રમાં સૂરિજી કહે છે કે, આપે રૂપલક્ષ્મી વડે કામદેવને જીતીને તેને તૃણ સમાન બનાવી દીધો. જો એમ ન હોય તો ત્રિલોચનના નેત્રાગ્નિ વડે તેને એકાએક શી રીતે બાળી શકાયો ? અતિશય ચમત્કારિક કૃતિઓ ધરાવતાં બીજાં સ્તોત્રો પણ પ્રાસાદિકતા અને અલંકાર-સુષમાને લીધે સૌના ચિત્તને હરી લ્યે તેવાં છે. એ જ પ્રમાણે જેમના નામ માટે ઘડીભર તો અહોભાવ થઇ આવે એવા શ્રી મુનિસુંદરસૂરિજી કૃત ગૌતમસ્તોત્ર પણ અત્રે પ્રસ્તુત છે, જે સ્તોત્ર પણ સ્વાદુ સ્વાદુ પદે પદે છે, ઉપરાંત પૂ. શ્રી જ્ઞાનવિમલસૂરિકૃત દિવાળી દેવવંદનની રચનામાં પણ સુંદર પદ્યસાહિત્ય જોવા મળે છે. અજ્ઞાતકૃતક-કૃત ગૌતમસ્વામી સજ્ઝાય આબાલગોપાલ સૌને ચિત્તહરણ કરનાર છે. આ ઉપરાંત કર્ણાટકકેસરી શ્રી ભદ્રકંરસૂરિજી, હાલારદેશોદ્વારક શ્રી અમૃતસૂરિજી, અચલગચ્છાધિપતિ શ્રી ગુણસાગરસૂરિજી, શ્રી અજિતસાગરસૂરિજી અને શાસનસમ્રાટ નેમિસૂરીશ્વરજી મ. સમુદાયના વિદ્વદ્વર્ય પૂજ્ય આ. શ્રી વિજયપદ્મસૂરિજી મહારાજ તથા પરમ શાસન પ્રભાવક આ. શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજશ્રી તથા આગમોદ્ધારક શ્રી સાગરાનંદસૂરિજી મહારાજના સમુદાયના મુનિ પ્રવ૨ શ્રી સુધર્મસાગરજી મહારાજની સુંદર રચનાઓ અત્રે પ્રસ્તુત છે. જૈન સ્તોત્રકાવ્યોના કેટલાક પ્રકારો પણ જોઇએ, દેવતાનુસારી સ્તોત્ર, વિષયાનુસારી સ્તોત્ર, પ્રાતઃસ્મરણ સ્તોત્ર, સહસ્રનામ સ્તોત્ર, પદસંખ્યાનુસારી સ્તોત્ર વગેરે. ગ્રીષ્મકાળમાં સરોવરના શીતલ જલકણ જેટલી શાતા આપે છે તેટલી જ શાતા આ ભાવરત્નો અને માણિક્યરત્નો સમાં સ્તુતિસ્તોત્રો આપે છે. પ્રસ્તુત ગ્રંથમાં પ્રાચીન રચનાઓ અને નૂતન રચનાઓ છે, જુદા જુદા કર્તાના રાસો છે, અષ્ટક છે, સ્તુતિ છે તથા જુદાં જુદાં શ્રમણ-શ્રમણી, શ્રાવક–શ્રાવિકાના લેખો પણ છે. જેઓ સંસ્કૃતના જાણકારો છે તેઓ આમાં આપેલ વિવિધ સંસ્કૃત પદ્ય-રચનાઓમાંથી પોતાની પસંદગી પ્રમાણે ગાથાઓ લઇને નિત્યપાઠ કરી શકે. જેઓને ગુજરાતી જોઇએ છે તેમના માટે પ્રાતઃસ્મરણીય બને તેવી ગુજરાતી સ્તુતિઓ પણ છે. પ્રાચીન સંસ્કૃત-પ્રાકૃત રચનાઓ મેળવી આપવામાં શ્રી બુદ્ધિસાગરસૂરિ સમુદાયના પૂ. પં. શ્રી ધરણેન્દ્રસાગરજી મ. સા.નો નોંધપાત્ર સહયોગ મળ્યો છે.
સ્તુતિવંદના :
“પૂજા કોટિ સમં સ્તોત્રમ્' એમ આચાય ભગવંતો કહી ગયા છે. સમર્થ વિદ્વાન ૫. પૂ. આ. શ્રી વિજયધર્મધુરંધરસૂરીશ્વરજી મ. સા. સંસ્કૃત-પ્રાકૃતના સાક્ષર અને અનેક શાસ્ત્રોના ઊંડા આકલન પછી સાધકોને સાધનામાં સહાયક નીવડે તેવાં બહુમૂલ્ય રત્નોના વરપ્રદાતા રહ્યા હતા. એમના દ્વારા રચાયેલાં સ્તોત્રોમાંથી કેટલાંકના અતિ સુંદર, વિશદ, હૃદયસ્પર્શી પદ્યાનુવાદો પ. પૂ.આ. શ્રી વિજયહેમચંદ્રસૂરીશ્વરજી મહારાજશ્રીના કૃપાપ્રસાદરૂપે પ્રાપ્ત થયા છે. ૨૦૪૯માં ભાવનગરની ધર્મભૂમિમાં રચાયેલ આ પદ્યાનુવાદ કંઠાભરણ બની શ્રી ગૌતમપ્રભુની ભક્તિમાં અત્યંત સહાયક નીવડશે એવી શ્રદ્ધા છે. મુનિશ્રી જયદર્શનવિજયજી મહારાજશ્રીએ રજૂ કરેલી અગિયાર વંદનાઓ પણ ખાસ ધ્યાન ખેંચે છે. અત્રે અન્ય પૂજ્યશ્રીઓની પણ સ્મૃતિવંદના રજૂ કરી છે.