________________
(૧) પહેલું લક્ષણ છે આસ્તિકતાઃ આસ્તિકતા એટલે શ્રદ્ધા, પહેલાં સમજાવ્યું - એ પ્રમાણે પરમાત્મા ઉપર, સગુરુ પર અને સદ્ધર્મ ઉપર શ્રદ્ધા જાગે. એવી સમજણ પણ આવે કે “આ દેવ ગુરુ ધર્મનું શરણ અક્ષયપદ આપે છે. માટે એ જ મંગલકારી છે, ઉત્તમ છે અને શરણભૂત છે.” સમકિતીના મનમાં આવો પાક્કો નિર્ણય થયેલો હોય.
જે મંગલકારી હોય તે જ ઉત્તમ હોય, અને તે જ શરણ્ય હોય. “ત્રણે લોકમાં અરિહંત સિદ્ધ સાધુ અને ધર્મ જ મંગલકારી છે, કલ્યાણકારી છે અને હિતકારી છે. તેમનું હું શરણ સ્વીકારું છું”
શ્રદ્ધાનું આસ્તિકતાનું આ સ્વરૂપ છે. જેના પ્રત્યે તમને શ્રદ્ધા થશે તમે એને શ્રેષ્ઠ સમજવાના અને તેના શરણે જવાના. એના શરણમાં તમે તમારી જાતને સુરક્ષિત માનવાના.
તેમ આ ઉત્તમ વિભૂતિઓના શરણે જશો એટલે તમારામાં બીજું લક્ષણ પ્રગટ
થશે.
(૨) બીજું લક્ષણ છે વૈરાગ્ય સંસારનાં ભૌતિક સુખો, તરફ, પાંચ ઇન્દ્રિયોના વિષયો તરફ મન વિરક્ત બનશે. જેમ જેમ શરણાગતિનો ભાવ વધતો જશે તેમ તેમ સંસાર પ્રત્યે વૈરાગ્યભાવ તીવ્ર બનતો જશે.
વૈરાગ્યભાવ પ્રગટશે એટલે ત્રીજું લક્ષણ પણ આત્મામાં પ્રગટ થવાનું.
(૩) ત્રીજું લક્ષણ છે સંવેગ: મોક્ષસુખની અભિલાષા જાગશે ! એક સુખ પસંદ ન આવે તો બીજું સુખ ગમી જાય. સંસારના સુખ ન ગમ્યાં એટલે મોક્ષસુખ ગમે ! “સંસાર અસાર છે.' આ વાત સમજો તો “મોક્ષ સરસ છે, સારભૂત છે,” એમ લાગે. ક્ષણિક સુખ પ્રત્યે વૈરાગ્ય જાગે તો શાશ્વત સુખ પ્રત્યે રાગ જાગે. સંસારનાં સુખોમાં જીવ અનાસક્ત બને તો મોક્ષસુખમાં આસક્તિ જાગે.
(૪) ચોથું લક્ષણ છે અનુકંપા : અનુકંપા એટલે દુઃખી જીવો પ્રત્યે દયા. બીજાનું દુઃખ જોઇને આત્મા કંપી ઊઠે, તે અનુકંપા કહેવાય. સમકિતી આત્મા દયાથી ભરેલા હોય. એ બીજા જીવોના દુઃખ દૂર કરવાની ભાવનાવાળો હોય અને યથાશક્તિ દુઃખ દૂર કરવા ઉપાય પણ કરે.
(૫) પાંચમું લક્ષણ છે: પ્રશમ ઉપશમભાવ પ્રશમભાવ સમકિતદષ્ટિ આત્માનું વિશિષ્ટ લક્ષણ છે. જિનધર્મની શોભા આ ઉપશમભાવથી હોય છે. સમકિતદષ્ટિ જીવમાં એટલી સમજણ આવેલી હોય કે “સુખ અને દુઃખ મારાં જ કર્મોનું ફળ હોય છે. મારા પાપકર્મોથી દુઃખ આવે, મારાં પુણ્યકર્મથી સુખ આવે.” તો પછી દુઃખ આપનાર પ્રત્યે દ્વેષ નહીં થાય. આ છે ઉપશમભાવ !