________________
અર્થદંડ કરતાં પણ શાસ્ત્રકારો અનર્થદંડનો પાપને વધુ ભયંકર ગણાવે છે. કારણ કે અર્થદંડનો એટલે કે જરૂરિયાત ખાતર થતાં પાપોની પાછળ પશ્ચાતાપ થવાનો સંભવ છે પરંતુ અનર્થદંડનાં પાપો પાછળ પશ્ચાતાપ થવો જ મુશ્કેલ છે. આમ અનર્થદંડનાં પાપોના નિઃસંકોચ સેવન પાછળ કિંમતી સમયનો થતો બગાડ, કુસંસ્કારોની વૃદ્ધિ, સત્તહાનિ, ધનવ્યય, શારીરિક નિર્બળતા, કુટુંબ ક્લેશ ઇત્યાદિ અનેક નુકશાનો રહ્યાં છે..
જબરદસ્ત વિલાસી દિલ્હીપતિ મહમદશાહ પર નાદિરશાહ ચડી આવ્યો..નાદિરશાહની યુદ્ધની કુનેહ આગળ મહમદશાહ ઝૂકી ગયો.. વિજેતા નાદિશાહની ભવ્ય સવારી નીકળી.. રાજ મહેલે આવ્યા પછી નાદિરશાહે મહમદશાહને કહ્યું કે “મારે આજે રાતના તમારી બેગમોનો મુજરો જોવો છે.શરત એટલી કે જે જગ્યાએ આ મુજરો ગોઠવાય ત્યાં હું એકલો જ રહીશ અને તમારા તરફથી પણ માત્ર તમારી બેગમો જ આવવી જોઇએ..!
મહમદશાહે આ વાત કબૂલ રાખી પોતાની ૧૫૦ જેટલી સઘળી ય બેગમોને આ વાત કરી...રાતના સમયે સોળે શણગાર સજીને એ બેગમો નાદિરશાહના મહેલે પહોંચી ગઇ...શયનગૃહમાં પ્રવેશી. જોયું તો નાદિરશાહ શય્યા પર ઘસઘસાટ ઊંઘતો હતો. બાજુમાં ખુલ્લી કટાર પડી હતી. બેગમો અરસપરસ વાતોએ વળગી... નાદિરશાહ ઊઠે એટલે આપણે નૃત્ય દેખાડીએ.” એવો નિર્ણય કરી સઘળી ય બેગમો એક બાજુ બેઠી...ઊંઘવાનો ડોળ કરીને પડેલો નાદિરશાહ દોઢ કલાકે ઊઠ્યો...જેવો તે ઊઠ્યો કે તરત જ બેગમો નૃત્ય કરવા ઊભી થઇ...ત્યાં નાદિરશાહે ત્રાડ નાખી... “ખબરદાર ! કોઇએ નૃત્ય ચાલુ કર્યું છે તો ! હું કાંઇ તમારા નખરાઓ જોવા અહીંયા નથી આવ્યો...મારે તો તમારી તાકાતની પરીક્ષા કરવી હતી !
તમારી ૧૫૦ ની સંખ્યા સામે એક વિજેતા, પણ તમારા પતિનો દુશ્મન રાજા એકલો તમારી સામે મજેથી સૂતો છે..તેના બાજુમાં ખુલ્લી કટારી પડી છે...તમારી એટલી પણ બુદ્ધિ દોડી નહિ કે લાવો, આ ખુલ્લી કટારી લઈને તેને ખતમ જ કરી નાખીએ, ઊલટાનું તમે સહુ એક બાજુ તેના જાગવાની રાહ જોઇને બેસી રહ્યા ! અપરિમિત તાકાતવાળો પણ દિલ્હીપતિ મહમદશાહ પરાજિત થયો હોયતો તેનું કારણ તેનો વિલાસ અને તેના વિલાસને પોષનારી તમારા જેવી નાચીજ સ્ત્રીઓ છે !. વિલાસી જીવન સર્વનાશ નોતરે છે...બુદ્ધિ ભ્રષ્ટ કરી દે છે...તમામ સત્ત્વને હણી નાખે છે..આ વાત અત્યાર સુધી માત્ર સાંભળેલી. પરંતુ તમને જોઇને મને પાકી ખાત્રી થઇ ગઇ છે ! જાઓ. એક ક્ષણ પણ તમારે અહીંયા ઊભા રહેવાની જરૂર નથી !' સ્તબ્ધ થઇ ગયેલી બેગમો નીચી મૂડી ઘાલીને રવાના થઇ ગઇ !