________________
શ્રી આર્ય-કલ્યાણ-ગૌતમ-ગુણ-ગુણોદય-કલાપ્રભ મહોદય ગુરુભ્યો નમઃ જેવો રોગ તેવી દેવા, જેવો દોષ તેવો ઉપાય
જ્ઞાનસાર
એકવાર એક ભાઇ બિમાર દર્દીની ખબર-અંતર પૂછવા ગયા. ત્યારે એ બિમાર દર્દીની પથારી પાસે ઘણા બધા કાગળો પથરાયેલા જોઇ આવનારે દર્દીને પૂછ્યું : ઓહો! તમે તો આવી બિમાર હાલતમાંય ઓફિસનું કામ કરો છો? દર્દી આત્માએ જવાબ આપ્યોઃ અરે ભાઈ! આ ઓફિસના કાગળો નથી પણ જુદા જુદા ડોક્ટરોએ લખી આપેલ દવાના કાગળો છે. જુદી જુદી દવાઓ આમાં લખેલી છે. આટલી દવાઓના કાગળો હોવા છતાં હજી રોગ મટતો કેમ નથી? હવે તો કાગળો પ્રભુને બતાવી પ્રાર્થના કરી રહ્યો છું.
બસ, આપણું પણ આવું જ છે. ઘણા બધા રોગ લાગુ પડ્યા છે. ક્યારેક ક્રોધનો એટેક આવે છે તો ક્યારેક માયાનો તાવ આવે છે. ક્યારેક લોભનું ગુમડું નીકળે છે તો ક્યારેક માનનું માઇગ્રેન સતાવે છે... કોઇની સફળતા જોઇ ઇર્ષ્યાથી સળગી જવાય છે તો પોતાની વારંવારની નિષ્ફળતાથી દીનતા ઘેરી વળે છે. દંભ-કપટ અને જુઠ તો ચુડેલની જેમ વળગી પડ્યા છે. બાહ્ય રોગો આવ્યંતર ક્ષેત્રમાંય હલચલ મચાવે છે. તો શરીર ક્ષેત્રે ટેન્શન, બ્લડપ્રેશર, ડાયાબિટીસ, તાવ, અજીર્ણની ભેટ આપે છે.
જુદા જુદા ડોક્ટરો, થેરાપીસ્ટો, પ્રાણીજ હીલીંગ, ગુરુભગવંતો, માનવ ચિકિત્સકો વગેરેઓ શરીર, મન અને આત્માની ટ્રીટમેન્ટ કરે છે, જુદા જુદા ઉપાયો દર્શાવે છે. તો જુદા જુદા ઉપાયો સૂચવે છે.
ધર્મ અને ધર્મક્રિયાઓ કાંઇ ઓછી નથી કરતા, તપ-જપ-દાન પણ કાંઇ ઓછા નથી? છતાં પરિણામ / પરિણતિ જામતી નથી. નાની અમથી શક્તિ જાગી તરત અભિમાન આવીને ઊભું રહી જાય છે. જરાક ક્યાંક પ્રશંસા થઇ તો તરત ગર્વ આવ્યું. માયા-કપટ ઇત્યાદિ દોષોથી સેવાયેલો ધર્મ ફળતો નથી. ગૂમડા ઉપર પ્લાસ્ટીકની પટ્ટી લગાવી પછી મલમ લગાડીએ તો મટે શી રીતે?
ખોટા સંસ્કારો કેળવ્યા છે.
ખોટો અભ્યાસ કર્યો છે.
પુરુષાર્થ અવળો કર્યો, પણ હવે ઉપાય શું?