________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૨૬૩
હકીકત છે કે આજ વિદ્યમાન જે સંયોગો છે એને જીવે શાશ્વત જ માની લીધો છે. જાણે બધું સલામત રીતે સદાકાળ અબાધિત ટકી રહેવાનું હોય એમ જીવે વર્તી રહેલ છે ! આ મીઠા ઝેર જેવો જાલિમ ભ્રમ ત્યજાય નહીં ત્યાં સુધી સાચો ધર્મ સંભવ નથી.
જીવ, જો કાલે કારમાં કલ્પાંતથી ઝૂરવું ન હોય તો, બધા ભ્રમ પુરુષાર્થપૂર્વક નિવારી દે ને વહેલાસર સજાગ થઈ સઘન સ્વરૂપસ્થિરતા સાધી લે. આખો માર્ગ બદલાવી લે. અનંતવાર અવસર ચૂક્યો ને રઝળ્યો, હવે “સંસાર મૂક અને આત્મામાં ઝૂક'.
વાંછાઓનું પરિપૂર્ણ વિશોધન અને વિલિનીકરણ ન સંભવી શક્યું તો જ્ઞાનીને પણ – મને કે કમને . બે-ત્રણ જનમ જગતમાં લેવા પડે છે. વાંછામાત્રનું આત્યંતિક વિલિનીકરણ થઈ ચૂક્યા બાદ જ જીવાત્માની ચરમ-મુક્ત દશ નીપજે છે.
સિદ્ધ થવા માંહ્યલો તડપી તરફડીયા મારે પરાકાષ્ટાએ ઝૂરે, તો ય ગહન અંતસ-સત્તામાંથી વાંછામાત્રનું નિરવશેષ નિર્મુલન થયા વિના, સિદ્ધલોકની ખેપ કોઈથી પૂરી કરી શકાતી નથી. વાંછામાત્રથી મુક્તિ એ જ ખરી મુક્તિ છે.
કૂવાની છાયા પણ સદાય કૂવામાં જ સમાય રહે, તેમ ચેતના અનંતકાળ ચેતન્યમાં જ સમાયેલી રહે એનું નામ મોક્ષ છે. એને ચેતન-ચેતનાની અનંતપ્રણયસમાધિ પણ કહી શકાય. જે સમાધિમાંથી પછી સંસારને જોવા કદિયેય આંખ જ ખોલાતી નથી.
હું સ્ત્રી છું – મને તો મારા સ્વામી વડે જ સર્વ પ્રકારના સુખની ઉપલબ્ધિ થાય છે – કે, હું પુરૂષ છું – સ્ત્રી જ મને સૌખ્યદા છે – એમ માનવું – એ સર્વ માન્યતા પરાશ્રયી સુખબુદ્ધિની છે. સ્વાશ્રયીઅલૌકિક-સુખની ગમ નથી. એથી આવી ભ્રાંતિ થાય છે.
પરાશ્રયી સુખની પ્રગાઢ આસક્તિમાં જે મુંઝાયેલા છે એના પ્રતિ જ્ઞાનીઓને સઘન કરુણા વહે છે કે આ બીચારા જીવોને અલૌકિક એવા સુખસ્વભાવનો મુદ્દલ પરિચય જ નથી. બાકી, પારસમણિ જેની પાસે ઉપલબ્ધ હોય એને સુવર્ણહારનો મહિમા ઓછો જ આવે ?