________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
હે જીવ! થવું હોય તો આત્મ તલ્લીન થજે. બીજે ક્યાંય લીન થઈશ નહીં. અન્યત્ર ક્યાંય લીન થવું એટલે આત્મવિસ્મરણ કરવું – એનું પરિણામ સહજાનંદ ગુમાવવો એ છે. એનું પરિણામ નિષયે દુઃખ છે. દુર્ગતિ છે. માટે આત્મા સિવાય ક્યાંય લીન થવા જેવું નથી.
હે સાધક ! તારૂં ચિત્ત ચંચળ છે અને હજુ સ્વભાવમાં સ્થિત થતું નથી – એનો અર્થ એ જ કે હજુ તને સંસારમાં સુખ ભાસે છેઃ ચિત્ત બહાર ભમે છે એનો અર્થ જ એ છે કે એને બાહ્યભાવોની મહત્તા છે. અને છતાં પણ, તું તને મહાન ધર્માત્મા માને છો !?
હે મન! તારે જગત સાથે શી લેણાદેણી છે ? સાથી, સંગાથી, સંબંધી, પરિચિતથી તારે શું લેવું છે ? તું જેની પાસે પ્રેમની અપેક્ષા રાખે છે એ તો તારી જ પાસે અપેક્ષા રાખે છે. ભાઈ અહીં દાતા કોઈ નથી: અહીં સૌ ભીખારી છે માટે મનને મનાવી તું વ્યર્થ અપેક્ષા છોડ, તો જ સુખી થઈશ.
જે પરિસ્થિતિ વિશેષને કારણે તું માને છો કે મારા આત્માનું આ પરિસ્થિતિને કારણે ઘણું બગડી રહ્યું છે – એવી જ (પ્રતિકુળ પરિસ્થિતિમાં પણ અગણિત મહાનુભાવોએ સાવધ બની આત્માનું ઉદું ઘણું હીત સાધ્યું છે. મહાન આત્મોત્થાન સાધ્યું છે.
©OS એકસરખું સળંગપણે સંવાદિત જીવન કોઈનું પણ નિર્ગમન થતું નથી. અનેક અટપટા રંગો એમાં આવે છે. અલબત્ત, જીવનના વિવિધરંગી વહેણમાં સદેવ, એક સમાન સમદષ્ટિ ધારી રાખવી હોય તો તે અસંભવ તો નથી જ, અભ્યાસ સાધ્ય થાય તેમ છે.
પોતાની અસ્તિનું ભાન સાધકને પ્રતિસમય જીવંત રહેવું જોઈએ. કોઈ પણ કાર્ય – ચાહે એ વાંચનનું હોય, શ્રવણનું હોય, દૈનિક જીવનનું હોય કે પછી કોઈ પણ અન્ય હોય – એ કરતા કરતા પણ અસ્તિનું ભાન વિસરાવું ન ઘટે. આ બહું ગંભીર વાત છે.
સ્વઅસ્તિત્વના ભાનપૂર્વક જે કાંઈ કાર્ય સંભવશે એ કાર્ય જાગૃતિપૂર્ણ હોય, એમાં પ્રાયઃ કોઈ દોષ કે ભૂલ રહેવા પામશે નહીં. સમયે સમયે સ્વત્વનું ભાન જીવંત રહેવું ઘટે. પ્રારંભમાં કદાચિત અઘરું લાગે. પણ અભ્યાસે એવી સભાનતા ખચીત રહી શકે છે.