________________
બધે અંગ રચના કરીને પૂજારીએ નીચે બોર્ડમાં લખ્યું કે ઉપર આંગી છે માટે દર્શનાર્થે પધારશો.
અમે બધા વરઘોડા બાદ નવકારસીના કામકાજમાં હતા તે તકનો લાભ લઈને બે માણસો આંગી મુગટ સહીત લઈને નાસી ગયેલા.
પછી એક બાઈ ઉપર દર્શનાર્થે ગયેલ અને આંગી ન દેખાતાં નીચે આવીને પૂજારીને કહ્યું કે, ‘તમે લખો છો કે ઉપર આંગી છે. પણ આંગી ક્યાં રચી છે?’
પૂજારી કહે, મેં રચી છે પછી આમ કેમ બને?’ ઉપર જઈને જોયું તો આંગી મુગટ ન મલે! તરત નીચે આવી જાહેરાત કરી કે− આંગી ચોરાઈ છે.
મને ખબર પડતાં દુઃખ થયું કે મારા કહેવાથી જ ઉપર આંગી રચાઈ અને ગઈ તો જવાબદારી મારી છે એમ સમજી ખૂબ જ ભાવપૂર્વક નવકાર મહામંત્રનું સ્મરણ કર્યું. પછી ગામના અને મારી દીક્ષાના પ્રસંગને અનુલક્ષીને મેં વિચાર કર્યો કે આ ગામની કોઈ પણ વ્યક્તિ આવું કામ કરે જ નહિ.
કેમ કે મારું જીવન એ પ્રકારનું હતું. બધા સાથેનો પ્રેમ એવો હતો કે મારી દીક્ષાના સમાચારથી બધાને દુઃખ થતું હતું કે હવે કેમ થશે. આમે મને કહેતા કે, ‘તમે તો વગર દીક્ષાએ દીક્ષા જેવું જ જીવન જીવો છો. શા માટે દીક્ષા લો છો? અમારું શું થશે?’
ત્યારે મેં કહેલ, ‘જો હું દીક્ષા બાદ પ્રમાદી બનું તો કહેજો કે ઘરે રહીને પણ ત્રણચાર કલાક આરાધના કરતા હતા તે છોડીને કેમ પ્રમાદી બન્યા?
હવે આંગીના સમાચાર ગામમાં ફેલાઈ ગયા, ફોજદારને વાત જણાવી અને કહ્યું, ‘આ ગામનો
કોઈ હશે નહિ પણ બહારથી કોઈ આવ્યા કે ગયાની તપાસ થાય તો વધુ સારું. ફોજદાર પણ સમજી ગયેલ. તરત મોટર મંગાવી અને ફોજદાર તથા ત્રણ ચાર જણા બીજા બેઠા અને મોટા સ્ટેશનોએ સમાચાર આપવા નીકળ્યા.
આ વખતે ટેલિફોન વ. વ્યવસ્થા ન હતી. આશ્ચર્યની વાત છે કે જે બે જણા આંગી ચોરીને ગયેલા તે સાડા ચાર રસ્તા ઉપર કોઈ ખટારા દ્વારા પહોંચી ગયેલા અને તાત્કાલિક બીજા કોઈ ગામ નાસી છૂટવું હતું.
ફોજદા૨ની મોટરને કોઈ બીજી મોટર માની આ બન્ને માણસો હાથ ઊંચો કરી મોટર રોકવા સૂચના કરી. અને ફોજદારે આવા અજાણ્યા માણસને જોતાં જ મોટર ઊભી રખાવી. મોટરમાં ફોજદારને દેખતાં જ એક ચોર નાઠો પણ બીજો નાસે તે પહેલાં જ ફોજદારે તેને પકડ્યો અને થેલીમાં જોયું તો આંગી મુગટ અકબંધ હતા. તરત જ ચોર તથા આંગીને લઈને આવ્યા.
અમે પ્રતિક્રમણ કરીને આવ્યા ત્યાં સમાચાર મળ્યા કે આંગી મળી ગઈ છે! આ ચમત્કાર જોઈ બધા આશ્ચર્યમુગ્ધ બન્યા !
ખરેખર આ નવકારમંત્રનો જ પ્રભાવ હતો. જો આંગી ન આવી હોત તો દીક્ષાના ઉમંગમાં ફેર પડત, પણ ચમત્કારથી આંગી આવી હોઈ ઉત્સાહમાં અનેરો વધારો થયો.
આ ચમત્કારી ઘટના વચ્ચે અમારી દીક્ષા ખૂબ જ આનંદ અને ઉત્સાહી વાતાવરણમાં થઈ.
નવકાર મહામંત્રની વિશુદ્ધ આરાધના દ્વારા સહુ કોઈ આત્મશ્રેય સાધે એ જ મંગલ પ્રાર્થના.
卐
મન-વાણી કાયાને સાથે, મહામંત્ર નવકાર; આરાધે અંતરમાં જિનને, જીતે આ સંસાર.'-૧૦૫
૧૬૪