________________
એમની પદયાત્રા દરમિયાન રોજ જુદાં જુદાં ગામોમાં લોકોની વચ્ચે જવાનું થતું, એટલે સર્વધર્મ પ્રાર્થનાને બદલે તેઓ સૌને અપીલ કરતાં કે - ઈશ્વરનું જે નામ જેને વહાલું હોય તેને આંખો બંધ કરી પોતાના મનમાં યાદ કરે. આમ, તેમની મૌન સર્વધર્મ પ્રાર્થના રહેતી.
દરેક ધર્મનાં પાંચ અંગઃ
ધર્મોનું પહેલું અંગ છે શ્રુતિનું, અનુભૂતિનું, પરમાત્માદર્શનનું. બધા જ ધર્મોમાં પરમાત્માની અનુભૂતિનો હિસ્સો હોય છે. તે બધા ધર્મોની મજિયારી માલિકી છે, માનવજાતનો મજિયારો અમૂલ્ય વારસો છે. આને Metaphysics કહી શકાય.
ધર્મનું બીજું અંગ કેટલીક ધર્મકથાઓ છે. ઇબ્રાહીમની કથા, મૂસાની કથા, હરિશ્ચંદ્રની કથા, યુસુફ અને જૂહેવાની કથા. આ કથાવાળો હિસ્સો પણ સહુની સંપત્તિ છે. બધા ધર્મોવાળા તે વાંચે અને તેમાંથી બોધ ગ્રહણ કરે. આને અંગ્રેજીમાં Mythology કહેવાય.
ધર્મનું ત્રીજું અંગ છે નીતિ-વિચાર - Ethics. ધર્મનું આ એક મોટું અને દુન્યવી જીવન માટે બહુ મહત્ત્વનું અંગ છે. હંમેશાં સાચું બોલવું, પ્રેમ કરવો, બીજાને મદદ કરવી, એકબીજાનાં સુખદુઃખમાં ભાગીદાર થવું, મહેનત કરીને ખાવું, ચોરીનો વિચાર પણ ન કરવો, દિલમાં કરુણા રાખવી.
બધા ધર્મોનાં આ ત્રણે ય અંગોના સમન્વયમાંથી એક માનવધર્મ પાંગરશે.
ધર્મનું ચોથું અંગ છે ઉપાસના. દેશકાળની જરૂરિયાત મુજબ અને રુચિ-વૃત્તિ મુજબ જે - તે સમજમાં અમુક રીતરિવાજ પ્રચલિત થયા છે. જુદી જુદી ઉપાસના-વિધિઓ ઊભી થઈ છે અને જે-તે ધર્મ સાથે જોડાઈ ગઈ છે. આ ઉપાસનાનું અંગ વૈવિધ્યમાં એકતાનું ઘોતક છે. જો કે ઉપાસનાની એવી યે રીત શોધી શકાય કે જેમાં બધા ધર્મોવાળા સામેલ થઈ શકે. ભલે બધા ધર્મોની પોતપોતાની આગવી વિધિઓ હોય, પણ સાથોસાથ બધા ધર્મોવાળા સાથે મળીને ઉપાસના કરી શકે, એવી વિધિ પણ હોવી જોઈએ.
જ્ઞાનધારા -૫૧ જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૫