________________
ઉમાસ્વાતિજી આચાર્યે કહ્યું છે કે “પરસ્પર-ગ્રહો જીવાનામ્” અર્થાત્ પ્રત્યેક જીવોનું જીવન એકબીજાના સહકારથી ચાલી શકે. દયા-કરુણા, અનુકંપા, સેવા, પ્રેમ, મૈત્રી વગેરે અહિંસાનાં જ સ્વરૂપો છે. વિશ્વના પટ પર જે જે મહાપુરુષો સંતો, વિદ્વાનો થઈ ગયા છે તેમણે અહિંસાધર્મની ભેરી બજાવી છે અને તેમાં જૈન ધર્મ મોખરે છે. જૈન ધર્મે અહિંસાને પ્રેમનું પાવક ઝરણું માન્યું છે. જૈન ધર્મની ઇમારતનું ચણતર અહિંસાના પાયા પર થયું છે.
-
ભારત વિશ્વબંધુત્વ અને વિશ્વશાંતિની ભૂમિ છે. બધા ધર્મો અહીંની ભૂમિમાંથી પેદા થયા છે અને બધા જ ધર્મોએ પ્રેમ અને અહિંસાને આગળ કર્યાં છે. અહિંસા આપોઆપ કરુણાને જન્માવે છે અને તેના ફળસ્વરૂપ મુદિતા - પ્રસન્નતા ઉદ્દભવે છે, જેને માટે આપણે જીવનભર ઝંખીએ છીએ અને ઝૂઝીએ છીએ.
‘અહિંસા પરમો ધર્મ' કહેનારા, સાંભળનારા હવે જૂના-પુરાણા થઈ ગયા હોય તેવું લાગે છે. જૈન ધર્મને ઓળખનારા, સમજનારા કે પચાવનારા અહિંસાના પ્રચાર અને પ્રસાર વિશે વિશ્વસ્તરે વાત કરી શકે છે. આચારે અહિંસા અને વિચારે અનેકાન્તની વાત તો ક્યારની યે ગાઈ-વગાડીને કહેવાય છે, પરંતુ હવે તો ‘આચાર’ સાથે ‘અનુભવે’ પણ કહી શકાય કે અહિંસા સિવાય ઉદ્ધાર નથી. અહિંસાનું અમોઘશાસ્ત્ર જ આજની વિકટ સમસ્યાઓનો સામનો કરવા સમર્થ અને વિશ્વસનીય છે.
૨૬૦૦ વર્ષ પછી મહાવીરની અહિંસાની કૂંચી મહાત્મા ગાંધીજીને મળી અને સ્વાતંત્ર્યસંગ્રામમાં તેમણે સુપેરે વાપરી. આપણે સૌ તેના સુપરિણામથી જંગ જીતી ગયા. અંગ્રેજોની ગુલામી સામે સત્યાગ્રહ અને અહિંસાએ આપણને આઝાદી બક્ષી. સામસામે લડાયક કે હિંસક બન્યા હોત તો લોહીની નદીઓ વહી હોત અને કેટલી ખુવારી - જાનહાનિ થઈ હોત તે કલ્પવું મુશ્કેલ છે. આ અહિંસક લડાઈએ જે જાદુ કર્યો, તેનાથી દુનિયા દંગ થઈ ગઈ. લૉર્ડ માઉન્ટબેટને કહેલું : “જે કામ આપણે આખી બ્રિગેડિયર મોકલીને ન કરી શક્યા તે કામ આ માણસે એકલા મે કર્યું.” આવી હતી અહિંસાની પ્રભાવક પ્રબળ અસર. જૈન ધર્મના આ મહામૂલા સિદ્ધાંતને સમજવો અને અપનાવવો પડશે.
જ્ઞાનધારા -૫
૪૩
જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૫