________________
અહિંસાના ઊંડાણપૂર્વકના વિસ્તૃત વિવેચનમાં જૈનદર્શનકારો અહિંસાના વિવિધ પ્રકારો દર્શાવે છે અને અહિંસાનું આવું વર્ણન અન્યત્ર જોવા મળતું નથી. આના કારણે વિશ્વમાં જૈનદર્શનનો અહિંસાવાદ અને અનેકાન્તવાદ અનેક વિદ્વાનોએ વખાણ્યા છે -
'पंचैतानि पवित्राणी सर्वेषां धर्मा चारिणाम्
अहिंसा सत्यमस्तेयं, त्यागो मैथून वर्जनम् ।' (૧) અહિંસા, (૨) સત્ય, (૩) અચૌર્ય, (૪) અપરિગ્રહ (૫) બ્રહ્મચર્ય. દરેક ધર્મમાં અહીં બતાવેલ પાંચે ધર્મ આચરણમાં મૂકવામાં આવેલ છે છતાં તે બધામાં અહિંસાનું ખાસ ઊંચું સ્થાન છે. પ્રભુ મહાવીરે પ્રરૂપેલું પ્રથમ વ્રત છે “અહિંસા'. ભગવાન મહાવીરની અહિંસા મનુષ્યો સુધી જ સીમિત ન હતી, એમાં સ્થાવર, પ્રાણી, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ તથા જીવ-જંતુઓ વગેરે, ક્ષુદ્ર અને તુચ્છ પ્રાણીઓનો પણ સમાવેશ થતો હતો.
પ્રભુએ કહ્યું છે કે - “શત્રુ હો યા મિત્ર. જગતના સર્વે જીવો પ્રત્યે સમભાવ કેળવવાની સાધના કરો. ત્રસ, સ્થાવર, સર્વજીવોની હિંસાથી મુક્ત થવું જ જોઈએ. આ રીતે જોતાં પ્રભુ મહાવીરે કહેલ અહિંસામાં જીવમાત્ર પ્રત્યે કરુણાની ભાવના સમાયેલી છે. નાનામાં નાના અને સૂક્ષ્માતિસૂક્ષ્મ જીવને જીવવાની ઝંખના હોય છે, તેને મારવાનો કોઈને ય અધિકાર નથી.
“આચારાંગ સૂત્રમાં બતાવ્યા પ્રમાણે લોકો આ જીવનમાં સત્કાર, માન અને પૂજન માટે કે જન્મ-મરણમાંથી મુક્તિ મેળવવા માટે કે દુઃખનો પ્રતિકાર કરવા માટે વિવિધ પ્રવૃત્તિઓ કરે છે. પરંતુ આજદિન સુધી ફાવ્યો નથી. કારણ એનામાં સમ્યકજ્ઞાનનો અભાવ છે. પોતાની તે પ્રવૃત્તિઓ દ્વારા તે આતુર લોકો સર્વત્ર બીજાં પ્રાણીઓની હિંસા કરતા હોય છે કે તેમને પરિતાપ આપતા હોય છે, એ વસ્તુ તેમને માટે અહિતકર છે ને સાચું જ્ઞાન પ્રાપ્ત થવામાં અવરોધરૂપ છે. જીવોનો ઘાત કરવો એ બંધન છે, મૃત્યુ છે તથા નરક છે. બાહ્યયજ્ઞમાં હિંસા છે, જ્યારે આત્યંતર યજ્ઞમાં અહિંસા છે.
જે માણસો વિવિધ પ્રાણીઓની હિંસામાં પોતાનું જ અનિષ્ટ અને અહિત જોઈ શકે છે, તે તેનો ત્યાગ કરવા સમર્થ થઈ શકે છે. જે બહારનાનું દુઃખ જાણે છે, તે પોતાનું દુઃખ પણ જાણે છે. (જ્ઞાનધારા -૫ =૩૯ જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૨)