________________
હિંદુ ધર્મના લોકો પંચમહાભૂતથી જગત બનેલું છે, માની પ્રકૃતિ તત્ત્વોની પૂજા કરે છે. તેમના પ્રત્યે તીર્થભાવના છે. તેમને માટે હિમાલય શિવનું નિવાસસ્થાન અને ગંગા માતા બની રહે છે. ગાય કરુણાનું કાવ્ય બની રહે છે, પીપળો પૂજનીય બની રહે છે. પર્યાવરણમાં થયેલું આવું સજીવારોપણ પ્રકૃતિના અસ્તિત્વનો આદર સૂચવે છે, પણ છકાયમાં જીવો છે એ સાબિત કરી આપ્યું મહાવીર પ્રભુએ, જે આજે વૈજ્ઞાનિકો ઠેઠ હવે સાબિત કરી શક્યા છે.
આપણું સમગ્ર ચેતનચક્ર ‘હું - મારું - મને’માં જ સીમિત છે. જ્યારે પોતાના અસ્તિત્વને મહાવીરે ચેતન-અચેતનના સંદર્ભમાં જોયું અને કહ્યું કે - પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ વગેરેના જીવોના અસ્તિત્વનો સ્વીકાર કરો. તેમની સાથે એકાત્મતા અનુભવો.' આ વાતને માત્ર અહિંસાની દૃષ્ટિએ નહિ, પણ પર્યાવરણના સંદર્ભમાં જોવાનો સમય પાકી ગયો છે, તો જ પર્યાવરણનો પ્રશ્ન ઉકેલાશે અને જગતને નવા પ્રકાશ સાંપડશે.
પર્યાવરણ શાસ્ત્રના સિંધુને એક જ બિંદુમાં સમાવતું સૂત્ર મારી દૃષ્ટિએ, જયણાએ ધમ્મ સમજાવતું ‘દશાવૈકાલિક’ આગમના ૪થા અધ્યયનનું ૮મું સૂત્ર છે
જયં ચરે, જયં ચિટ્ઠ, જયં આસે, જયં સયે । જયં ભૂંજતો, ભાસંતો, પાવું કર્માં ન બંધઈ ॥
આમ, જતનાથી જ બધી પ્રવૃત્તિઓ કરીએ, તો પર્યાવરણનો લય ખોરવાય નહિ, અને જ્યાં લય હોય ત્યાં પ્રલય તો આવી જ ન શકે. પછી તો પાણી બચાવો’, ‘વૃક્ષ બચાવો’, ‘કુદરત બચાવો’, ‘ઘોંઘાટ ન કરો’ - જેવાં સૂત્રો જીવનમાં વણાઈ જશે. આડેધડ કપાતાં જંગલોની જીવસૃષ્ટિ બચતાં પર્યાવરણની જાળવણી આપોઆપ થશે. રવીન્દ્રનાથ ટાગોરે પણ કહ્યું છે કે - “પ્રકૃતિપ્રેમ વ્યસન બની જાય તો બીજાં વ્યસન ન ટકે.”
છકાયના રક્ષક, પંચમહાવ્રતધારી, વિશ્વનિર્મિતિમાં ઓછામાં ઓછી ખલેલ પાડી જીવનાર જૈન-સાધુની દિનચર્યાનો સાર ! અરે, શ્રમણોપાસક ગૃહસ્થોને પણ ત્રસજીવોની હિંસાથી વ્યાવૃત્ત થઈ, સ્થાવર-જીવોની હિંસા પણ ઓછી થાય એવું જીવન વ્યતીત કરવા કહ્યું છે, શ્રાવકો બાર વ્રત આદરી શક્ય તેટલી ઓછી હિંસા કરી પર્યાવરણની જાળવણી કરી શકે છે. સાચા શ્રાવકનું પ્રત્યેક કાર્ય બાહ્ય-આત્યંતર પર્યાવરણની વિશુદ્ધિ જ કરાવે. જ્ઞાનધારા -૫૯૧ જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૫