________________
ગુનો કરે તો તેને તે પ્રમાણે કર્મબંધ થાય છે. કર્મના કર્તાએ કર્મ ભોગવવું જ પડે છે.
સંસારનાં ન્યાયાલયોમાં ગુના થયા બાદ ચોક્કસ કાનૂની પ્રક્રિયા બાદ ગુનો સાબિત થયા બાદ સજા થાય છે. આરોપી ઉચ્ચ ન્યાયાલયમાં અરજી કરે તો સજા મોકૂફ રહે અને ઉચ્ચ ન્યાયાલય એ સજાને માન્ય રાખે ત્યારે સજાનો અમલ થાય છે.
પરંતુ કર્મની કોર્ટમાં ગુનો સાબિત કરવાનો પ્રશ્ન જ નથી. મનથી હત્યાનો ક્રૂર વિચાર કર્યો - ‘હું તને મારી નાંખીશ, છોડીશ નહિ' એવા ક્રૂર રીતે ક્રોધપૂર્ણ વચનો કહ્યાં હોય. આત્માની પરિણામ ધારા અને ભાવ પ્રમાણે કર્મના કાનૂનમાં એને ગુનો ગણી લેવામાં આવે છે અને તે પ્રમાણે કર્મબંધ થાય છે આ કર્મબંધ તે જ સજા છે. હા, સત્તામાં પડેલાં કર્મો ઉદયમાં ન આવે, તે કાળને દાર્શનિક પરિભાષામાં અબાધાકાલ કહેવાય છે.
સજા ભોગવવાનો કર્યોદય તત્કાળ પણ હોઈ શકે. આ જન્મમાં હોય કે જન્માન્તરે પણ હોઈ શકે છે. સંસારના ન્યાયતંત્રમાં વીસ વર્ષની સજા પામેલી વ્યક્તિ એક બે વર્ષમાં જ મૃત્યુ પામે તો બાકીની સજા તેને ભોગવવાની રહેતી નથી. કર્મના કાનૂનમાં આ સજા, પછીના ભવે પણ ભોગવવી પડે છે.
સેંકડો માણસની હત્યા કરનાર વ્યક્તિને સંસારની કોર્ટ એક જ મૃત્યુદંડ દઈ શકે તે તેની મર્યાદા છે. જ્યારે કર્મનો કાયદો તે જીવને નારકીની દુઃખકારક યોનિમાં હજારો વાર મૃત્યુની વેદના આપી શકે અને હજારો વર્ષ સુધીનું ત્યાંનું આયુષ્ય આપી શકે છે. સારી વર્તણૂકને કારણે રાજ્યના ન્યાયતંત્ર દ્વારા સજા ઘટી શકે છે કે સજા હળવી બની શકે છે.
કર્મસત્તાના ન્યાયતંત્રની કરામતને એક પ્રસંગ દ્વારા સમજીએ. જિલ્લા કોર્ટના એક ન્યાયાધીશ તે જિલ્લાથી ૨૫-૩૦ કિલોમીટરને અંતરે આવેલા પોતાના મૂળ ગામમાં વેકેશન ગાળવા આવ્યા. પોતાના વતનના આ નાનકડા ગામમાં રોજ સવારે તે નદી કિનારે ફરવા જાય. નદી તટનાં વૃક્ષોનાં ઝૂંડ પાછળ શૌચક્રિયાનું કામ પણ પતાવી લે.
એક દિવસ એણે શૌચક્રિયા દરમિયાન જોયું કે - ‘એક માણસે ખંજરથી બીજા માણસની હત્યા કરી.' હત્યારો ભાગી છૂટ્યો. જજસાહેબે ખૂનીને આંખો આંખ બરાબર જોયો હતો.
જ્ઞાનધારા - ૩
-------
▬▬▬ ▬▬▬▬▬
૧૨૦
જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૩