________________
ચતુર્વિધ સંઘોની વર્તમાન પરિસ્થિતિ અને તેમાં સંતો, દાનવીરો, અને પત્રકારોની ભૂમિકા
-પ્રો. નવિનચંદ્ર કુબડિયા
(જયહિંદ કોલેજ મુંબઇના ગુજરાતી વિભાગના અધ્યક્ષ, મુંબઇ યુનિ.ના બોર્ડ ઓફ સ્ટડીસ ઇન ગુજરાતીના સભ્ય, ડૉ. આર.એ. માશેલકર લાઇફ ટાઇમ અચિવમેંટ અવૉડના વિજેતા નવીનભાઇ દાદરની પર્યુષણ વ્યાખ્યાનમાળાના અધ્યક્ષ છે.)
આપણે સહુ જાણીએ છીએ તેમ જૈન ધર્મ અત્યંત પ્રાચીન અને વિશ્વધર્મ બનવાની સંપૂર્ણ ક્ષમતા ધરાવતો ધર્મ છે. આમ છતાં તે વિશ્વધર્મ બની શક્યો નથી. માત્ર ૨૦૦૦ વર્ષ જૂનો ખ્રિસ્તી ધર્મવાળા અનેક દેશો છે. માત્ર ૧૫૦૦-૧૬૦૦ વર્ષ જૂનો ઈસ્લામ ધર્મવાળા અનેક દેશો છે. લગભગ ૨૬૦૦ વર્ષ જૂનો બૌદ્ધધર્મનાં પણ થોડાંક રાષ્ટ્રો છે. જ્યારે આપણા આટલા પ્રાચીન અને વિશ્વધર્મ બનવાની ક્ષમતા ધરાવતા જૈનધર્મી કહી શકાય તેવું જૈન રાષ્ટ્ર છે ? એકેય જૈન રાજ્ય કહી શકાય તેવું રાજ્ય છે? અરે એકેય એવું વર્તમાનમાં શહેર પણ છે? આ પરિસ્થિતિ આત્મદર્શન અને પ્રામાણિક વિચારણા માગી લે છે. જૈનધર્મનો વિસ્તાર વ્યાપ એટલો ઓછો કેમ ? એક કારણ તો એવું લાગે છે કે 'અહિંસા' એ જૈનધર્મનો પ્રાણ છે. અહિંસાની બાબતમાં જૈનધર્મે અત્યંત અત્યંત સૂક્ષ્મ વિચારણા કરી છે. વનસ્પતિકાય, અગ્નિકાય, ત્રસ આદિ જીવોની પણ હિંસા ન થાય તે અંગે વિશિષ્ટ વિચારણા જૈનધર્મમાં થઈ છે. આનો પ્રત્યક્ષ જીવનમાં અમલ કરવાનું અશક્ય નહિતો ઘણું કપરું છે. જૈનધર્મના ઓછા પ્રસારનું આ પણ એક કારણ છે. પરંતુ માત્ર આ જ કારણ નથી. આપણો જૈનધર્મ અત્યારે સંપ્રદાયો અને, વાડાઓ અને પેટા વાડાઓમાં વહેંચાઈ ગયો છે. દિગંબર, શ્વેતાંબર, દેરાવાસી, સ્થાનકવાસી, તેરાપંથી, છકોટી, આઠકોટી, તપાગચ્છ, ખતરગચ્છ આદિ કેટલા બધા વિભાગો અને પેટા વિભાગો ! ચાર તો મુખ્ય સંપ્રદાય અને દરેક સંપ્રદાયમાં પણ વિભાગો.
જ્ઞાનધારા-૧
૨૦૧
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧