________________
નહિ. જો તે બીજને બચાવીને રાખી મૂકશે તો ખેતરમાં અનાજ નહિ પણ કેવળ ઘાસ જ ઊગશે. એક દાણાની સામે ભગવાન અનેકગણકરીને આપે છે. કેરીની એક જ ગોટલી રોપવાથી એક જ નહિ, અનેક કેરીઓ મળે છે. ત્યાગથી જ લક્ષ્મી, ઐશ્વર્ય, શોભા અને વૈભવ પ્રાપ્ત થાય છે. ઈશાવાસ્ય ઉપનિષદમાં બે જ શબ્દોમાં અદ્ભુત ઉપદેશ આપ્યો છે. તેન ત્યક્તન ભુંજીથા : - ત્યાગીને ભોગવો.
વિનોબાજીએ ધર્મનું વિશિષ્ટ સ્વરૂપ અહીં દર્શાવ્યું છે. સાંપ્રત-સમયની આવશ્યકતાઓને પારખીને તેમણે નવો માર્ગ ચીંધ્યો છે. અલબત્ત આ બધાં શ્રદ્ધા, પ્રેમ, સત્ય, ત્યાગ એ ધર્મનાં જ અંગો છે. એને સમયના સંદર્ભમાં તેમણે યોગ્ય રીતે જ સમજાવ્યાં છે.
વિનોબાજીએ વિજ્ઞાન અને ધર્મનો સમન્વય અને બંનેની આવશ્યકતા પણ સચોટ રીતે નિર્દેશી છે. સામે ઘેરો અંધકાર હોય તો ત્યાં પ્રકાશ કરવો તે વિજ્ઞાનનિષ્ઠા છે. અને સામે દ્વેષ કે વૈમનસ્યનું આધિક્ય હોય તો તેની સાથે પ્રેમપૂર્ણ વ્યવહાર કરવો તે ધર્મનિષ્ઠા છે. પરંતુ જ્યાં સુધી માનવસમાજમાં તેનો આવિર્ભાવ નહીં થઈ શકે, ત્યાં સુધી સત્ય, અહિંસા, શ્રદ્ધા વગેરે શ્રદ્ધારૂપે જ રહેશે, ધર્મરૂપે તે પ્રગટ નહિ થાય.
સાર્વભૌમ અને સનાતન એવા હિન્દુધર્મનું સ્વરૂપ પૂ. વિનોબાજીએ આ રીતે સમજાવ્યું છે: જે વર્ણાશ્રમ વ્યવસ્થામાં આસ્થા રાખે છે, ગોભક્ત છે, વેદોને માતા સમાન માને છે, મૂર્તિપૂજાની અવજ્ઞા કરતો નથી, સર્વ ધર્મો પ્રત્યે સમાન આદર રાખે છે, પુનર્જન્મમાં વિશ્વાસ ધરાવે છે અને તેનાથી મુક્ત થવાની આકાંક્ષા રાખે છે, તથા પ્રાણીમાત્ર પ્રતિ અનુકૂળવૃત્તિ (તેમના હિત માટેની વૃત્તિ) રાખે છે, તેને જ હિન્દુ માનવો જોઈએ.
જ્ઞાનધારા- ૧
Y
૧૩૦
=જૈિનસાહિત્ય જ્ઞાનસત્ર-૧=