________________
૭૪ ]
[ અણગારનાં અજવાળા
ચિંતાથી મહારાજશ્રીનું સ્વાસ્થ્ય જલદીથી કથળી રહ્યું હતું. પ્રોસ્ટેટ ગ્લેન્ડની વ્યાધિને લીધે પેશાબની તકલીફ રહેતી. ઉપચારની સારી સગવડ મુંબઈમાં થઈ શકશે એમ લાગવાથી તે તરફ પ્રયાણ ચાલુ થઈ ગયું હતું. અંતે ડૉ. ટી. ઓ. શાહની હોસ્પિટલમાં પ્રોસ્ટેટ ગ્લેન્ડનું ઓપરેશન કરાવવું પડ્યું. જો કે ઓપરેશન સફળ થયું પણ ગેસ અને ન્યુમોનિયા ઇત્યાદિને લીધે લાંબો સમય નબળાઈ રહી અને ચાર-પાંચ મહિને શરીરનું કંઈક ઠેકાણું પડ્યું.
સુર્દઢ સમાજની રચના અને ધર્મપ્રચારનું કાર્ય નિરંતર થતું રહે તેવી ભાવના મહારાજશ્રીના હૃદયમાં અંતિમ સમય સુધી રહ્યા કરી. આ માટે જૈનપ્રકાશના તંત્રી શ્રી હર્ષચંદ્ર દોશી, મુંબઈ સકળ સંઘના મંત્રી શ્રી ગિરધરલાલ દફ્તરી, પ્રસિદ્ધ લેખક શ્રી ચૂનીલાલ વર્ધમાન શાહ તથા મુંબઈના અગ્રગણ્ય બુદ્ધિજીવીઓ, કેળવણીકારો અને સામાજિક કાર્યકરો સાથે સમાજના ત્રણ વિભાગો વીરશ્રમણ સંઘ, વીર બ્રહ્મચારી સંઘ અને વીર શ્રાવક સંઘ વિશે તેમણે વિગતવાર ચર્ચા-વિચારણા કરી હતી.
વિદાયની વસમી વેળા : મહારાજશ્રીને લોહીના ઊંચા દબાણની બિમારી હતી. કાર્યની અધિકતાને લીધે તે રોગ ઉપર વિપરીત અસર થઈ. .શ્રી જમનાદાસ ઉદાણીની નોંધ પ્રમાણે સંવત ૧૯૯૭ના વૈશાખ વદ ૪ ને બુધવાર તદ્દનુસાર તા. ૧૪-૫-૧૯૪૧ના રોજ મહારાજશ્રીએ તેમની સાથે વીર સંઘની કાર્યવાહી અંગે લગભગ એક કલાક ચર્ચા કરી હતી. ડૉક્ટરે દેવલાલી જવા સૂચના કરી ત્યારે તેમણે સરળ અને શાંત સ્વભાવે જવાબ આપ્યો “થોડા દિવસ માટે કાંઈ નથી કરવું, મને શાતા છે.”
બીજે જ દિવસે એટલે તા. ૧૫-૫-૧૯૪૧ ને ગુરુવારે. દિવસ દરમ્યાન તો તેમને ઠીક રહ્યું, પરંતુ રાત્રે ૨-૩૦ વાગે એકાએક શ્વાસ વધતો જણાયો. પક્ષઘાતની અસર જણાવા લાગી. અને બ્લડપ્રેશર ૨૩૦ સુધી વધી ગયું. મુંબઈથી મોટા ડૉક્ટર આવી પહોંચે તે પહેલાં જ એટલે શુક્રવારે સવારે ૪-૫૦ મિનિટે મહારાજશ્રીએ આ નશ્વર દેહનો ત્યાગ કર્યો. તેમના દેહવિલયના સમાચાર પ્રસરતાં પશ્ચિમ ભારત અને ઉત્તર ભારતનાં અનેક નગરોમાંથી તથા કલકત્તા, રંગૂન, મદ્રાસ ઇત્યાદિ નગરોમાંથી લોકો તેઓશ્રીનાં અંતિમ દર્શનાર્થે આવવા લાગ્યા. જે પ્રત્યક્ષ ન પહોંચી શક્યા