________________
અણગારનાં અજવાળા ]
[ ૭૩
વાત સાંભળીને બધી કોમનાં અને ધર્મનાં લોકો તેમના પ્રવચનનો લાભ લેતાં. અહીં જ તેમને ‘ભારતરત્ન’ની માનવંતી પદવી અર્પણ કરવામાં આવી હતી. અહીં દિલ્હીથી આગળ વિહાર કરીને યુવાચાર્ય શ્રી કાશીરામજી મહારાજ સાથે સંઘે રોહતક થઈને અમૃતસર ભણી પ્રયાણ કર્યું. વિહાર દરમ્યાન શ્રી અમોલખ ઋષિજીનો તથા આર્યાજી પાર્વતીબાઈના સમાગમનો પણ તેઓને લાભ મળ્યો. જલંધર, કપુરથલા અને વ્યાસ થઈ મહારાજશ્રીએ અમૃતસરમાં પ્રવેશ કર્યો ત્યારે ત્યાંના જૈન સંઘે ખૂબ ઉત્સાહપૂર્વક તેમનું સ્વાગત કર્યું હતું. અહીના સમાજે મહારાજશ્રીને ‘વિદ્યાભૂષણ'ની ઉપાધિથી અલંકૃત કર્યા. પંજાબમાં વિહાર આગળ ચાલુ રાખી બલાચોર, નાલાગઢ, અંબાલા, પંચકુલા અને સીમલા થઈ પાછા ફરતી વખતે પ્રાકૃતિક સૌંદર્યવાળા બલાચોરમાં તેઓશ્રીએ ચાતુર્માસ કર્યાં. પંજાબના આ ઠંડા પ્રદેશમાં વિચરતાં મહારાજશ્રીની તથા શિષ્યોની તબિયત વારંવાર બગડતી. બલાચોરથી વિહાર કરીને મહારાજશ્રી ધીમે ધીમે દિલ્હી આવી પહોંચ્યા.
કાશી-બનારસ માટેની ઝંખના : પ્રજ્ઞાચક્ષુ પં. શ્રી સુખલાલજીની પ્રેરણાથી અને સમસ્ત સંઘને જૈન ધર્મનો તુલનાત્મક અભ્યાસ કરવાની તક મળે તે હેતુથી બનારસ જવાની તેમની ભાવના હતી. આ ભાવનાને મૂર્તસ્વરૂપ આપવાના ઇરાદાથી દિલ્હીથી વિહાર કરી આગ્રા, વૃંદાવન, મથુરા ઇત્યાદિ તીર્થસ્થાનોનું અવલોકન કર્યું. આગ્રામાં કાનનો દુઃખાવો, લોહીનું દબાણ વગેરે અનેક બિમારીઓ આવી પડતાં આગળ વિહાર થઈ શક્યો નહીં અને ૧૯૯૪ના ચાતુર્માસ ત્યાં જ કરવાની ફરજ પડી. શરીરના અસહકારના કારણથી મહારાજશ્રીની બનારસ જવાની ભાવના ફળી શકી નહીં અને ચાતુર્માસ પૂરાં થતાં રાજસ્થાન તરફ વિહાર કરવો પડ્યો. ૧૯૯૫નાં ચાતુર્માસ અજમેર નક્કી થયાં. દિલ્હી અને આગ્રાના અગ્રગણ્ય શ્રાવકો અને સાધુસમિતિના સલાહકારો સાથે અનેક મસલતો કર્યા છતાં સંવત્સરીની એકતાનો કે સાધુઓની સમાચારીની સંહિતાનો કોઈ સર્વમાન્ય ઉકેલ શોધી શકાયો નહીં.
અંતિમ ચાતુર્માસ : ગરમી અને ઠંડીના અતિરેકો, આહારવિહારની અગવડો અને સમાજની એકતા માટેના સતત પ્રયત્નો તેમજ અનેકવિધ