________________
અણગારનાં અજવાળા ]
[ ૨૨૫ જીવાણુઓએ તેમની ધોરી નસ કોરી ખાધી અને પૂ.શ્રીના છાતીના ઓપરેશનવાળા ભાગમાંથી ધડધડ લોહી વહેવું શરૂ થયું. નાનાં પૂ. સતીજીઓ ગભરાઈ ગયાં, પણ પોતે જાતે શાંતિથી લોહી સાફ કરી વાંચણી શરૂ કરી દીધી. છેલ્લે અન્નનળી, શ્વાસનળીને અને ફેફસાંને પણ કેન્સરે પકડમાં લઈ લીધાં. શ્વાસ લેવામાં તકલીફ વધતી ગઈ. ફરી અર્ધી રાત્રે વેઇન તૂટી. બધું જ લોહીથી લદબદ થઈ ગયું. રાત્રિના સમયે ઉપચાર કાંઈ કરવાનો ન હતો. લોહી વહી ગયું. વેઇન ખાલી થઈ ગઈ હતી. નવકારમંત્રના જાપ ચાલુ હતા. સભાન અવસ્થામાં આવશ્યક ક્રિયાઓ કરતાં કરતાં પોતાને જવું હતું તેથી ઘેનનું ઇજેક્શન ન લીધું. રાત્રે આઠ વાગે છેલ્લા સાત મહિનાથી ઊંચા ન થતાં હાથો જોડી પૂ.શ્રીએ સંથારાનાં પચ્ચખાણ કર્યા. બધાંને ખમાવી, વોસિરાવી આત્મતત્ત્વમાં મસ્ત બન્યાં અને અગમની વાટે તેમનો આત્મા પરમાત્મામાં ભળી જવા અંતિમ પ્રયાણે ચાલી નીકળ્યો.
આપને અમારાં અગણિત વંદન હો!
“આગમના બળ પર જીવનાર વિરલ વિભૂતિ જ આત્મબળની ધૂણી ધખાવી મૃત્યુને મહોત્સવ બનાવી શકે છે.”
પૂ.શ્રીએ ખરેખર વૈરાગ્યના રંગે અને સાધનાના ઉમંગે કર્મોની સામે, મૃત્યુની સામે ખરાખરીનો જંગ ખેલ્યો.
જે મૃત્યુના ભયને જીતે છે તે જ મૃત્યુને જીતી શકે છે. મૃત્યુ એ તો નવજીવનની પૂર્વદશા છે, એવી જેને સંપૂર્ણ પ્રતીતિ છે તે મૃત્યુનો વિજેતા છે. તે જ જીવનનો સાચેસાચો વિજેતા છે.
આવા છે અણગાર અમારા.....આપને અમારા કોટિ કોટિ વંદન હો...