________________
[ ૧૪ ] જે વેદના, સંવેદનાઓ સાથે મારા મનમાં જે સ્પંદનો જાગ્યાં તેના ભાવોના આવિર્ભાવોને વ્યક્ત કર્યા વગર હું નહીં રહી શકું.
વણખીલ્યું ફૂલવું ? વર્ષો પૂર્વેની વાત છે. જ્યારે આજના જેટલું શૈક્ષણિક જ્ઞાનનું મહત્ત્વ ન હતું. તેમ જ તે માટેની સુવિધાઓ વગેરે તો
ક્યાંથી વિસ્તરેલી હોય! તેમાં દીકરીના જીવનને ગૌણ ગણી તેના માટે શૈક્ષણિક જ્ઞાનને તો કોઈ જ મહત્ત્વ આપવામાં આવતું ન હતું. વળી તે સમયમાં ઘોડિયાં લગ્નો અને બાળલગ્નો થતાં. અગિયાર-બાર વર્ષની ઢીંગલીથી રમતી ઢીંગલી જેવી દીકરીને લગ્ન કરી સાસરે વળાવવામાં આવતી. ત્યાં તો ઘણી વખત એવું બનતું કે છ-બાર મહિનામાં તો દીકરી બાળ-વિધવા બનતી. એ નાનકડી નવવધૂ, એ નાનકડી અણસમજુ બાળવિધવાના, પ્રકૃતિના વરદાનનાં જીવનવિકાસના ક્રમે ક્રમે સજાતાં સોણલાંઓ, ઊગતાં પહેલાં તેનાં અરમાનો, આથમી જતા. નાનીશી વિધવાને પુનર્લગ્નથી પૂર્વજીવન બક્ષી તેનું જીવન પુનઃસ્થાપિત કરવામાં ન આવતું. તેના જીવનની આ અવદશા તેના જીવનની દિશાને બદલાવી નાખતી.
જીવનમાં તોફાન આવ્યું તોફાનોને કહી દો કે સાહિલ મળી ગયો
સાહિલને કહી દો કે મંઝિલ મળી ગઈ છે.
ઘરનું સુસંસ્કારિત ધર્મમય વાતાવરણ, પૂર્વ જન્મના પવિત્ર સંસ્કારોનું ભાતું લઈને જન્મેલી દીકરીના શિલ્પને કંડારતી વખતે વિધાતાએ જાણે તેનામાં સમજ અને સહનશીલતા, મીઠાશ અને મધુરપોના રંગો ન પૂર્યા હોય! પૂ. સંતો અને સતીજીઓ સાથેનો તેનો સમાગમ જાણે શીલ અને સદાચારની સૌરભ ગુલાબના પુષ્પની જેમ સમાગમમાં આવનારને પણ સુવાસિત કરી દેતા ન હોય તેમ તેના મનના વિચારાલયમાં નિર્મલતા પ્રતિષ્ઠિત થતી અને તે પણ પૂ. શ્રી સતીજીઓના સત્સંગે સંયમ માર્ગે જઈ પોતાના જીવનને ઉર્ધ્વ માર્ગે લઈ જતી.