________________
[ ૧૨ ] લોભ-વૃક્ષોને જડમૂળથી ઉખેડીને ફેંકી દેનાર, નદીના ધસમસતા પૂર સમાન લોકમાં (જેટલા ભાગમાં પંચાસ્તિકાય વ્યાપીને રહેલું છે તેટલા ભાગને જૈન શાસ્ત્રકારો “લોક કહે છે) ઉત્તમ ચારિત્ર્યવાન અને લોકમાં સર્વોત્તમ એવા સાધુઓ અમારા પાપનો પરિહાર કરો તેવી ભાવના આપણા ધર્મગ્રંથોમાં વ્યક્ત કરવામાં આવી છે.
મારા સંશોધન દરમ્યાન મને સતત એમ લાગ્યું છે કે સ્થાનકવાસી સમાજના અતીત અને વર્તમાન મુનિરાજો તથા મહાસતીજીઓ વિશે બહુ ઓછી વિગતો સાંપડે છે. પ્રસિદ્ધિથી પર એવા નિઃસ્પૃહી મહાત્માઓ આવી વિગતો આપવા વિશે ઉદાસીન હોય, તે પણ સ્વભાવિક છે. પરંતુ આપણા માટે એની જરૂર છે. એમાંથી આપણી વિવેક અને વૈરાગ્યના માર્ગ તરફ જવાની રુચિ કેળવાય છે. આથી તો તીર્થકરોના, મહાન સાધુ-સાધ્વીના, ઉમદા શ્રાવક-શ્રાવિકાના ચરિત્રો જૈન સાહિત્યમાં વિપુલ પ્રમાણમાં મળે છે.
આ સઘળી માહિતી મેળવવા માટે શ્રીમતી પ્રવિણાબહેન ગાંધી અને શ્રી ગુણવંતભાઈ બરવાળિયાએ ઘણી મહેનત કરી છે. શ્રી પ્રવિણાબહેન ગાંધીએ અનેક સામાજિક ક્ષેત્રોમાં કરેલી સેવા સાથે એમણે આવાં ચરિત્રો લખીને એમનાં સેવાકાર્યો પર યશકલગી ચડાવી છે તો જાણીતા લેખક, વિચારક, સમાજને દિશાદર્શક મારા મિત્ર શ્રી ગુણવંતભાઈ બરવાળિયાએ પણ આ ક્ષેત્રમાં ઘણું મોટું યોગદાન આપ્યું છે. “પથદર્શક પ્રતિભાઓ” ગ્રંથમાં પ્રકાશિત આ ચરિત્રો એક જુદા ગ્રંથ તરીકે પ્રકાશિત થાય છે ત્યારે એનો વધુ વ્યાપક ઉપયોગ થશે, તેવી આશા જાગે છે. આ બંને સર્જકો પાસેથી આવાં વધુને વધુ ચરિત્રો મળશે, એવી આશા રાખું છું.
તા. ૧૫-૧-૦૮ પદ્મશ્રી કુમારપાળ દેસાઈ (પાશ્રી અને પ્રસિદ્ધ સાહિત્યકાર)