________________
[ ૧૧ ]
આત્મવિકાસની દીવાદાંડી
ચરિત્ર ચારિત્ર્યને ઘડે છે. “અણગારનાં અજવાળાં' પુસ્તકમાં એવાં ચારિત્રો મળે છે કે જેને વ્યક્તિના ચારિત્ર્ય ઘડતરની દીવાદાંડી બનાવી શકાય. આત્મકલ્યાણના કપરા માર્ગે પ્રયાણ કરતા અને સર્વમંગલ ભાવ સેવતા આ સંતો, મુનિવર્યો અને મહાસતીજીઓનાં ચરિત્રો એ કોઈ યશગાથા નથી, પરંતુ ત્યાગમાર્ગના કાંટાળા પંથ પર સમર્પિત થનારા પુષ્પોની સુવાસ છે. આ ચરિત્રો એ કોઈ વ્યક્તિ કે વિભૂતિનું વર્ણન નથી, પરંતુ મહાયોગી આનંદઘનજીએ કહ્યું છે તેમ “આત્મજ્ઞાની શ્રમણ કહાવે” તેવા શ્રમણોની આંતરકથા છે. આ ચરિત્રો વાચક પાસે વિશેષ સજ્જતા માગે છે, કારણ કે કોઈ વૈરાગી વિશેષની ઓળખાણે બદલે એના આંતરવિકાસની ગાથા છુપાયેલી હોય છે. સ્થૂળ વિગતો કે બાહ્ય ઘટનાઓને બદલે આ મુનિવર્યો કે મહાસતીજીઓએ આકરી તપશ્ચર્યા, ઉત્કટ વૈરાગ્ય, પ્રબળ ધર્મધ્યાન, ગહન જ્ઞાનસાધના, દેઢ સમભાવ અને અનુપમ ઉપશમ દ્વારા કરેલો અપ્રતિમ આત્મવિકાસ દૃષ્ટિગોચર કરવાનો છે. આથી શબ્દ–અર્થની બાહ્ય સપાટીને બદલે આંતરમંથનની ગહેરાઈમાં લીન થવાનું છે.
જૈન સાધુતા એ જગતનું પરમ આશ્ચર્ય છે. માનવ આત્મશક્તિનું ગૌરી શિખર (એવરેસ્ટ) છે. આ સાધુ સમ્યગુ દર્શન, સમ્યગુ જ્ઞાન અને સમ્યગુ ચારિત્ર વડે મોક્ષની સાધના કરતા હોય છે. તેમ જ તમામ પ્રાણીઓ પ્રત્યે સમાન ભાવ રાખતા હોય છે. આ સાધુતા કઠોર આત્મ સાધનાનું પ્રતીક છે. તપસ્યા અને તિતિક્ષાનું જીવંત રૂપ છે. સમતા અને સમભાવનો વહેતો પ્રવાહ છે. આવા મુનિવર્યો અને મહાસતીજીઓ સંસારનાં તમામ શારીરિક ભોગસાધનોથી દૂર રહેનારાં છે અને તેથી તેઓ નિર્લેપ અને કશીય અપેક્ષા વિનાના છે, માત્ર શરીરને જાળવવા માટે જરૂરી હોય તેટલાં જ વસ્ત્ર, પાત્ર લે છે અને એટલો જ આહાર ગ્રહણ કરે છે. જોકે આહાર, વસ્ત્ર કે પાત્ર પણ નિર્મમતાભાવે લેતા હોય છે. આથી જ તેઓ સાચા વૈરાગી અને આત્મસાધક બની રહે છે.