________________
[ ૯ ]
કલ્યાણકારી જીવન યાત્રાના યાત્રી થવાનું સદ્ભાગ્ય તેમને સાંપડ્યું છે. તેઓ પણ અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા, ધર્મના મર્મના જ્ઞાતા અને ઉંડા અભ્યાસી છે.
કહેવાય છે કે, ‘જેવું વિચારો એવા બનો છો.” ઉદાત્ત વિચારો ઉદાત્ત જીવનનું ઘડતર કરે છે. બન્ને સહલેખકોએ આધ્યાત્મિક જીવનના રાહબરોના જીવન–કથન કરતાં કરતાં ઉદાત્ત વિચારોનું વલોણુ વલોવ્યું છે. તે તેમના લેખન કાર્ય પરથી સ્પષ્ટ જોઈ શકાય છે.
૪૧ જેટલા મહાસતીજીઓના અણગારની કલ્યાણમય યાત્રાને ઉજાગર કરવા બન્ને લેખકોએ ઘણી બધી વિગતો એકત્રિત કરી હશે, ઘણી બધી વ્યક્તિઓ-સાધુ સંતો-સાધ્વીજીઓ સાથે સંવાદ કર્યો હશે, ઘણા બધા પત્રો કે સંદર્ભગ્રંથોનો અભ્યાસ કર્યો હશે. આ સમગ્ર પ્રવૃત્તિ એક તીર્થયાત્રા બની રહી ગણાય. આ બન્ને લેખકો આ અભ્યાસ પ્રવાસના સદ્ભાગી યાત્રીઓ બન્યા છે. અને તેથી જ આપણા અભિનંદનના તેઓ અધિકારી બને છે. બન્ને લેખકોએ આ લેખનકાર્ય
ઉંડી એકાગ્રતા અને શ્રદ્ધાથી કર્યું હોવાની પ્રતીતિ થાય છે.
જૈનધર્મ અનેક ભવ્ય લાક્ષણિકતાઓ અને વિશિષ્ટતાઓ ધરાવે છે. જૈન તત્ત્વજ્ઞાનમાં જીવનના તમામ પાસાઓ અંગે ઉંડું, સૂક્ષ્મ અને તાર્કિક ચિંતન થયું છે. સમગ્ર વિચારધારાના પાયામાં તાર્કિક અને વૈજ્ઞાનિક અભિગમ છે. તેમાં મંત્ર, તંત્ર, અંધશ્રદ્ધા, પાખંડ, ચમત્કારો વગેરેને સ્થાન નથી. અનેક વિશિષ્ટતાઓ પૈકીની એક વિશિષ્ટતા એ છે કે જૈનધર્મ સિવાય જગતના કોઈ ધર્મમાં સ્ત્રીને પુરૂષ સમાન દરજ્જો આપવામાં આવ્યો નથી. સ્ત્રી અને પુરૂષ બન્નેને મોક્ષના અધિકારી ગણવામાં આવે છે. આ વાતનો સ્વીકાર આજથી ૨૬૦૦ વર્ષ પહેલાં જૈન ધર્મમાં થયો છે. આ એક મહાન સામાજીક ક્રાંતિ ગણાય. આજે પણ સ્ત્રીનો દરજ્જો ઘણા સમાજમાં પુરૂષ સમાન નથી. જૈન સમાજમાં સ્ત્રીને સમાન દરજ્જો હોવાથી જૈન સમાજ વર્ષોથી શિક્ષણક્ષેત્રે, સામાજીક ક્ષેત્રે, આર્થિક ક્ષેત્રે, દાન–સખાવતના ક્ષેત્રે પ્રગતિશીલ અને સંસ્કૃત સમાજનો દરજ્જો ભોગવે છે. તેના પાયામાં સ્ત્રીના સમાન અધિકારનો સ્વીકાર છે.