________________
- શાકાહારી
શાકાહાર વિષે જ્યારે કોઈ ચચ- પરિચર્ચા થાય અને તેના સંદર્ભે કંઈ લેખન થાય અથવા પોસ્ટરો આદિ પ્રકાશિત કરવામાં આવે તો એમાં શાકભાજી આદિને પ્રાધાન્ય આપવામાં આવે છે. ખાસ કરીને શાકભાજીમાં પણ વિશેષતઃ ગાજર, મૂળા, કંદમૂળ, રીંગણા, કોબી ઇત્યાદિ અભક્ષ્ય શાકોનું જ નિરૂપણ કરવામાં આવે છે. જ્યારે આ બધી જ વસ્તુઓનો જૈન શ્રાવકાચારમાં સંપૂર્ણ નિષેધ છે તથા અભક્ષ્ય ગણવામાં આવે છે.
આજના જૈન સમાજમાં શાકાહારનો પ્રચાર કરતી વખતે આપણે આ વાતનું વિશેષ ધ્યાન રાખવું પડશે કે, અજાણતા એમ ન થઈ જાય કે શાકાહારનો પ્રચાર કરતી વખતે અભક્ષ્ય વસ્તુ ખાવાનો પ્રચાર થઈ જાય. આતો ઊંટ કાઢતાં બિલાડું ઘુસી જાય તેવી વાત થશે. અતઃ શાકાહાર પ્રચારમાંજ જૈન દૃષ્ટિએ સંપૂર્ણ સમજણ હોવી જરૂરી છે. શાકાહાર પ્રચારને તેના વ્યાપક દ્રષ્ટિકોણથી વિચારવો રહ્યો. ત્યાર પછી જ તેનો પ્રચાર સુવ્યવસ્થિત થઈ શકે. ઘઉં, ચોખા, આદિ અનાજ, કેરી, જામફળ, સફરજન, સંતરા આદિ ફળો અને દુધી આદિ સાત્વિક ભક્ષ્ય શાક પણ શાકાહારમાં આવે છે. શાકાહારના રૂપમાં આ ફળો, શાકભાજીને પ્રદર્શિત કરવા જોઈએ.
ગાજર, મૂળા આદિ શાક છે કે નહી ?” આ વિવાદ ની મુંઝવણમાં પડવું યોગ્ય નથી. આ કારણથી શાકાહારની સાથે શ્રાવકાચાર શબ્દ જોડવાની આવશ્યકતા જણાઈ છે. ભલે ગાજર મૂળા શાકમાં ગણાય પરંતુ જૈન શ્રાવકમાટે તે વર્યું છે, કારણ કે તે અભક્ષ્ય છે. માટે તેનો પ્રચાર આપણા માટે અયોગ્ય છે. શ્રાવકાચારને અનુકૂળ શાકાહારનો પ્રચાર જ આપણા માટે ઉત્તમ છે. આજ કારણ છે કે અમે આ વર્ષનું નામ “શાકાહાર, શ્રાવકાચાર વર્ષ” એવું રાખ્યું છે.
બીજી મહત્વની વાત એ પણ છે કે શાકાહાર શબ્દમાં માંસાહારનો નિષેધતો થઈ જાય છે પરંતુ, મદિરાપાન નો નિષેધ થતો નથી. મદિરાપાન પણ એક એવું દુર્લસન છે કે જેમાં અનંતા જીવોની હિંસાતો થાય જ છે સાથે સાથે નશાકારક હોવાથી મદિરા (દારૂ) વ્યક્તિના વિવેકનો નાશ કરે છે, અને બુદ્ધિમાં ભ્રમ પેદા કરે છે, સ્વાસ્થને નુકશાન કરે છે. અને પરિવારના સુખ શાંતિનો હ્રાસ કરે છે. એટલે માંસાહારની જેમ જ મદિરાપાનનો નિષેધ પણ અતિ આવશ્યક છે.
આજના આધુનિક કહેવાતા સાંપ્રત સમાજમાં મદિરાની જેમજ મનને મોહિત કરી જીવનને બરબાદ કરવાવાળા અનેક નશિલા પદાર્થો બ્રાઉન સુગર ડ્રગ્સ વિગેરેનું દુષણ ફૂલ્યુ ફાલ્યું છે. એ બધા દુર્વ્યસનોથી યુવા સમાજને ઉગારવાની અત્યંત આવશ્યકતા છે. શ્રાવકાચારમાં માંસાહારના નિષેધની સાથે સાથે મદિરાપાનનો નિષેધ પણ હોય છે. આને અનુલક્ષીને જ શાકાહાર સાથે શ્રાવકાચાર શબ્દ જોડવામાં આવ્યો છે.